કુવૈત પર ઈરાનનો મિસાઈલ હુમલો: એક ભારતીયનું મોત
મિડલ ઈસ્ટ યુદ્ધની આગમાં વધુ એક ભારતીય હોમાયો; કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો ભીષણ હુમલો
મિડલ ઈસ્ટના યુદ્ધને લગભગ એક મહિનો પૂરો થશે. અમેરિકા-ઈઝરાયલના હુમલાનો વળતો જવાબ આપવા માટે ઈરાન એક પછી એક ઘાતક હુમલા કરી રહ્યું છે, જેમાં વિદેશી નાગરિકો પણ ભોગ બની રહ્યા છે, જેમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. મિડલ ઈસ્ટમાં ફસાયેલા અથવા કામ કરનારા ભારતીય લોકો ભોગ બની રહ્યા છે. કુવૈત પરનો ઈરાનનો હુમલો વીજળી અને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર કર્યો હતો, જેમાં ભારતીય યુવકનું મોત થયું છે.
આ બનાવ મુદ્દે ઊર્જા મંત્રાલયે કહ્યું છે કે કુવૈત વિરુદ્ધ ઈરાનના હુમલામાં એક પ્લાન્ટને નુકસાન થયું છે. વીજળી અને વોટર પ્લાન્ટના સર્વિસ બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો, જેમાં ભારતીય કર્મચારીનું મોત થયું છે, જ્યારે બિલ્ડિંગને પણ નુકસાન થયું છે.
ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં અનેક ભારતીય ભોગ બની ચૂક્યા છે. આ મુદ્દે ખાડી દેશોના એડિશનલ સેક્રેટરી અસીમ મહાજને કહ્યું હતું કે પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષ વચ્ચે અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનામાં સાત ભારતીયના મોત થયા છે, જ્યારે હજુ એક જણ ગુમ છે. આજના બનાવ સાથે કૂલ આઠ લોકોનાં મોત થયા છે.
કુવૈત સ્થિત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે એક મહિનાના સમયગાળામાં શરુ થયેલા સંઘર્ષ વચ્ચે દેશમાં કૂલ 307 બેલેસ્ટિક મિસાઈલ, બે ક્રૂઝ મિસાઈલ અને 616 ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે લોકોને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે અને જનતાને અફવા પર વિશ્વાસ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 14 બેલેસ્ટિક મિસાઈલ અને 12 દુશ્મનના ડ્રોનને નિષ્ફળ બનાવ્યા હતા. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે સઉદ અલ-અતવાને જણાવ્યું છે કે અમુક મિસાઈલ અને ડ્રોને કુવૈતીના સશસ્ત્ર દળોના એક છાવણીને નિશાન બનાવ્યું હતું, જેમાં 10 જવાન ઘાયલ થયા હતા, જ્યારે બિલ્ડિંગને પણ મોટું નુકસાન થયું હતું.
