વો જબ યાદ આયેઃ બોલીવુડની એ ‘હીર’ જેનું મોત રહસ્યમય રહ્યું…

બોલીવુડમાં એવી અનેક અભિનેત્રી થઈ ગઈ જેને બહુ ઓછી ફિલ્મો કરી હતી, પરંતુ એની એન્ટ્રી સાથે એક્ઝિટ પણ રહસ્યમય રહી. 70-80ના દાયકાની અભિનેત્રી પ્રિયા રાજવંશનું પહેલું નામ લઈ શકાય, જ્યારે નેવુંના દાયકામાં દિવ્યા ભારતી હતી. પ્રિયા રાજવંશે તો બહુ ઓછી ફિલ્મો કરી હતી. પ્રિયા રાજવંશના નિધનને લગભગ 26 વર્ષ થઈ ગયા, પરંતુ આજની એની પુણ્યતિથિએ એટલું ચોક્કસ કહીશું કે પ્રિયા રાજવંશ સાચેજ બોલીવુડની ‘હીર’ હતી. એની અદા અને માસુમિયત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રસિકોને આજે પણ યાદ રહી ગઈ છે.
અભિનેત્રી પ્રિયા રાજવંશની જિંદગી એક ફિલ્મી વાર્તા સમાન હતી. જિંદગીમાં અનેક ઉતારચઢાવ, ગમ, ખુશી અને દુખ હતા. જિંદગી રોલરકોસ્ટરના માફક અનેક સુખ આપ્યા, પણ એટલા જ દર્દ. અભિનેત્રીનો ઠાઠ પણ એક રાજકુમારી જેવો હતો. શિમલામાં જન્મેલી પ્રિયા રાજવંશે લંડનમાં અંગ્રેજી થિયેટર કર્યું હતું અને અભિનયની તાલીમ પણ. ચેતન આનંદ જેવા દિગ્ગજની ફિલ્મથી ડેબ્યૂ કર્યું અને રાતોરાત સ્ટાર બની ગઈ, પણ અચાનક એક્ઝિટને કારણે ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. વ્યક્તિગત જિંદગીના અનેક વિવાદો વચ્ચે 27 માર્ચ 2000માં પ્રિયા રાજવંશનો અચાનક ઘરમાંથી મૃતદેહ મળ્યા પછી ઈન્ડસ્ટ્રીમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. પ્રોપર્ટીના વિવાદે પ્રિયા રાજવંશનું મોત થયું, જે સમાચાર ચોંકાવનારા હતા. પ્રોપર્ટી વિવાદે પ્રિયાનો જીવ લીધો, પણ એ સમાચાર ચોક્કસ આઘાતજનક હતા. આજે એની પુણ્યતિથિએ એને યાદ કરીએ એની યાદગાર ફિલ્મો સાથે.
બહુ ઓછો લોકો જાણતા હશે કે પ્રિયા રાજવંશ જાણીતી અભિનેત્રી વહીદા રહેમાનની નણંદ હતી. મૂળ નામ વીરા સુંદરસિંહ હતું, જ્યારે એના ભાવ કંવલજિત સિંહે વહીદા રહેમાન સાથે લગ્ન કર્યા હતા. કંવલજીત શશિ રેખીના નામથી જાણીતા હતા અને એ પણ અભિનેતા હતા. ગુરુદત્તથી વિખૂટા પડ્યા પછી વહીદા રહેમાનની જિંદગીમાં કંવલજીત આવ્યા અને લગ્ન કર્યા એટલે પ્રિયા રાજવંશ અને વહીદા રહેમાનના સંબંધ સગી ભાભી-નણંદનો હતો. સિલ્વર સ્ક્રિન પણ ક્યારેય સાથે જોવા મળ્યા નહીં, પરંતુ બંને અભિનેત્રીઓએ પોતપોતાની જિંદગીમાં અનેક સિદ્ધિઓ અને અભિનયના જોરે નામ પણ કમાવ્યું હતું.
ઓછી ફિલ્મો કરવાની સાથે બીજી આડ વાત એ હતી કે મુંબઈના ડાયરેક્ટર માટે પ્રિયાને કામ આપવું અઘરું હતું. પ્રિયા રાજવંશને બિંદાસ્ત રોલ મળવાનું મુશ્કેલ હતું. તેના રુઆબ જ એવો હતો જાણે કોઈ રજવાડાની રાજકુંવરી હતો. પ્રિયા રાજવંશે વિશ્વ પ્રસિદ્ધ રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સમાંથી શિક્ષણ લીધું હતું. પ્રિયા રાજવંશે માંડ સાતેક ફિલ્મો કરી હતી, પરંતુ એ ફિલ્મોને કારણે દિગ્ગજ અભિનેત્રીઓ સાથે તુલના થવા લાગી હતી.
વ્યક્તિગત જિંદગીની વાત કરીએ તો પ્રિયા રાજવંશ પોતાના પ્રેમી, પતિ અને દિગ્ગજ ડાયરેક્ટર-પ્રોડ્યુસર ચેતન આનંદની ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે ઓળખ બનાવી હતી. ચેતન આનંદની પહેલી મુલાકાત પણ એટલી રસપ્રદ રહી નહોતી. જોકે, ચેતન આનંદે ‘હકીકત’માં પ્રિયા રાજવંશને પહેલી વખત અભિનેત્રી રોલ આપ્યો હતો અને ફિલ્મ હતી 1962ના ભારત-ચીન યુદ્ધ આધારિત. ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે અભિનય કરવાનો હતો અને પ્રિયા હતી લદ્દાખની યુવતી. ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ 1964માં બની, જે હિન્દી ફિલ્મોમાં સૌથી પહેલી ‘વોર મૂવી’ હતી. મોટા ભાગનું શૂટિંગ લદ્દાખની પહાડીઓમાં થયું હતું.
પ્રિયા રાજવંશને જ્યારે રોલ મળ્યો ત્યારે તેની ઉંમર 22 વર્ષની હતી. વાત જાણે એમ છે કે જ્યારે ફોટોગ્રાફરે તેની એક તસવીર લીધી, જે મુંબઈ ઈન્ડસ્ટ્રીમાં પહોંચી. ચેતન આનંદ સુધી પણ એ તસવીર પહોંચી ત્યારે બંને સાથે મુલાકાત થઈ અને ચેતન આનંદ પ્રિયાથી પ્રભાવિત થયા પછી હકીકત ફિલ્મની ઓફર મળી હતી. આગળ જતા બંનેના સંબંધો ફિલ્મોથી આગળ વધીને પ્રેમમાં પરિણમ્યા હતા. હકીકતની સફળતા પછી 1970માં ‘હીર રાંઝા’માં હીર બની, જે અભિનય લોકોને યાદ રહી ગયો. હીર રાંઝાના અભિનયે પ્રિયા રાજવંશની નવી ઓળખ ઊભી કરી હતી. ઉપરાંત, ફિલ્મી પડદે પ્રિયા રાજવંશે ‘હિંદુસ્તાન કી કસમ’, 1977માં ‘સાહબ બહાદુર’, 1981માં ‘કુદરત’, 1986માં ‘હાથો કી લકીરેં’ પણ જાણીતી બની હતી. પ્રિયા રાજવંશે ઓછી ફિલ્મો કરી હતી, પરંતુ લોકોના દિગામમાં તેના અભિનય અને સુંદરતા ઘર કરી ગઈ હતી.
