March 26, 2026
ગુજરાત

ગુજરાતનું બનાસ બાયો-સીએનજી મોડલ હવે આખા દેશ માટે પ્રેરણા

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’, આત્મનિર્ભર ભારત અને હરિત ઊર્જાના વિઝનને સાકાર કરીને ગુજરાતનું વિકાસ મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે એક સફળ ઉદાહરણ તરીકે ઉભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિકસિત કરવામાં આવેલ બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ મોડલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા વિભાગના સંયુક્ત પ્રયાસો થકી દેશના લગભગ 15 રાજ્યો પોતાને ત્યાં અમલી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા વિકસિત આ પ્રોજેક્ટ ગાયના છાણ જેવા જૈવિક કચરાને સ્વચ્છ બળતણ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરીને ગ્રામીણ અર્થતંત્રની તસવીર બદલી રહ્યો છે.

બાયો સીએનજી માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ₹60 કરોડની ફાળવણી
ગુજરાત સરકારે આ નવીન પહેલની વ્યાપક સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બાયો સીએનજી સેક્ટરને પોતાની બજેટની પ્રાથમિકતાઓમાં ટોચ પર રાખ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ₹60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. બજેટમાં આ જોગવાઈ કરવાનો ઉદ્દેશ ડેરી ક્ષેત્રને સ્વચ્છ ઊર્જા ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો અને ગ્રામીણ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ રાજ્યમાં તબક્કાવાર રીતે લગભગ 10 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવાનો પ્લાન પ્રસ્તાવિત છે.

ખેડૂતો, ઉદ્યોગો અને પર્યાવરણ જાળવણી માટેનું ‘વિન-વિન’ સંયોજન છે બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ મોડલ
બનાસકાંઠામાં દૈનિક 40 મેટ્રિક ટન ગોબર પ્રોસેસિંગની ક્ષમતાવાળો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ છેલ્લા 6 વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે, જે એક સાબિત થયેલું મોડલ છે. તેની સફળતાથી પ્રેરિત થઈને બનાસકાંઠામાં 5 મોટા બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે. હાલમાં, આયોજિત 5 પ્લાન્ટ્સમાંથી 2 પ્લાન્ટ્સ કાર્યરત થઈ ગયા છે, જ્યારે ત્રીજો પ્લાન્ટ પૂરો થવાના અંતિમ તબક્કામાં છે.
દરેક પ્લાન્ટ દૈનિક લગભગ 100 મેટ્રિક ટન (1 લાખ કિલો) છાણને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરે છે. આશરે ₹50-55 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટ આધુનિક ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે ઇકોલોજી અને ઇકોનોમી કેવી રીતે એકબીજાને સમાંતર ચાલી શકે છે, અને કેવી રીતે પર્યાવરણ સંરક્ષણ, ખેડૂતોની સમૃદ્ધિ અને ઔદ્યોગિક પ્રગતિ આ ત્રણેય એકસાથે શક્ય બની શકે છે.

પશુપાલકો માટે બાયો-સીએનજી પ્લાન્ટ બની રહ્યો છે વધારાની આવકનો સ્ત્રોત
બનાસકાંઠામાં સ્થાપિત બાયો-સીએનજી પ્લાન્ટ્સ આશરે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા 20-25 ગામોના પશુપાલક પરિવારોને આવરી લે છે, જેઓ નિયમિતપણે છાણનો પુરવઠો પૂરો પાડે છે. ખેડૂતોને છાણ માટે પ્રતિ કિલોગ્રામ ₹ 1 ચૂકવવામાં આવે છે, જે અંદાજે 400-450 પશુપાલક પરિવારોને વધારાની આવક પણ પૂરી પાડે છે.
ગાયના છાણના સંગ્રહ અને પરિવહન માટે લગભગ 13 ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પ્રતિ ટ્રીપ લગભગ 4-4 મેટ્રિક ટનની ક્ષમતા સાથે છાણને પ્લાન્ટ સુધી પહોંચાડે છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!