મિડલ ઈસ્ટની આગમાં સૌથી પહેલો દેશ ‘હોમાયો’, દુનિયા પર ‘વિકટ સંકટના’ એંધાણ?
ઈરાન-ઈઝરાયલ જંગની ગંભીર અસર: હોર્મુઝની ખાડી બંધ થતા ખનિજ તેલના ભાવમાં ભડકો અને વૈશ્વિક ઊર્જા કટોકટી

છેલ્લા 26 દિવસના મિડલ ઈસ્ટના યુદ્ધમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનમાં મોટા નુકસાનના સમાચાર છે, પરંતુ એની સાથે ખાડી દેશોને નુકસાન થયું છે. હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ-ગેસના ટેન્કરો અટવાતા હવે દુનિયાભરના દેશોમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી છે. એશિયાઈ દેશોની સાથે યુરોપિયન દેશોમાં કટોકટીના કગાર પર આવી ગયા છે. દુનિયાભરના દેશના તંત્રો કટોકટીમાં તો મૂકાઈ ગયા છે, પરંતુ એના વિકલ્પ શોધી રહ્યા છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશોમાં પેટ્રોલના ભાવમાં વધારા થઈ ચૂક્યા છે, જ્યારે ફિલિપાઈન્સ જેવા દેશમાં તો રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરી છે.
ફિલિપાઈન્સમાં જ કેમ જાહેર કરી ઈમરજન્સી?
ઈરાન યુદ્ધને કારણે અત્યારે મુશ્કેલીમાં મૂકાઈ જનારો દેશ ફિલિપાઈન્સ બન્યો છે. ફિલિપાઈન્સે નેશનલ એનર્જી ઈમરજન્સી જાહેર કરી છે, જે દુનિયાનો પહેલો દેશ બન્યો છે, જેને એનર્જી ઈમરજન્સી જાહેર કરી છે. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસે કહ્યું છે કે દેશને મુશ્કેલીમાંથી બચાવવા અને જનતાને વીજળીના આસમાને પહોંચતા ભાવથી બચાવવા માટે પગલું ભરવામાં આવ્યું છે. 25મી માર્ચે જાહેર કરેલી ઈમરજન્સી એક વર્ષ સુધી લાગુ પડશે, જ્યારે સંકટમાં સુધારો થાય તો દૂર પણ કરી શકાય છે. યુદ્ધમાં ભાગ લેનારા દેશમાં ઈમરજન્સી લાગુ પડે છે, પરંતુ ફિલિપાઈન્સ તો યુદ્ધમાં પણ સામેલ નથી, જે દુનિયા માટે સૌથી મોટી ગંભીર સમસ્યા છે.
બીજી મહત્ત્વની વાત કરીએ તો ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત યુદ્ધ ઈરાનના પાટનગર તહેરાનથી ફિલિપાઈન્સની રાજધાની મનીલા 7,000 દૂર આવેલું છે. એશિયા-પેસિફિકમાં અમેરિકાનો સૌથી નજીકનો દેશ હોવા છતાં ફિલિપાઈન્સ યુદ્ધમાં કોઈ પણ પ્રકારે સામેલ થયું નથી, પરંતુ તેને ઈમરજન્સી લગાવવી પડી છે.
એનર્જી ઈમરજન્સી એટલે ફિલિપાઈન્સ પોતાની જરુરિયાતના 98 ટકા તેલ ખાડી દેશોમાંથી મગાવે છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી તેલનો પુરવઠો ઓછો થઈ ગયો છે. ખરીદીના ખર્ચમાં વધારો થવાથી પેટ્રોલડીઝલના ભાવ પણ બેવડા વધી ગયા છે. વધતા ઇંધણના ભાવ વધારાએ મોંઘવારી વધારી છે. બીજી મહત્ત્વની વાત કરીએ તો ફિલિપાઈન્સ એ દેશ છે, જે યુદ્ધની શરુઆતમાં જ સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં ચાર દિવસ વર્કિંગ કર્યા હતા, પરંતુ એના પછી પણ સંકટ વધ્યું છે અને હવે ઈમરજન્સી લગાવી છે. અધૂરામાં પૂરું ટ્રાન્સપોર્ટ વર્કર્સે પણ હડતાળની જાહેરાત કરી છે. ઇંધણની સાથે જેટ ફ્યુઅલની પણ અછત નિર્માણ થવાથી ફ્લાઈટ્સની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
જે રીતે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરી છે, તેની સાથે ખાડી દેશના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાને હુમલો કર્યો છે, જેનાથી ફિલિપાઈન્સ જ નહીં, પરંતુ દુનિયાના અનેક દેશોમાં ઓઈલ, ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. આ આર્થિક, નાણાકીય ફટકાની ભરપાઈ કરવાનું હવે દુનિયા માટે મુશ્કેલ બની રહેશે. યુદ્ધ લંબાઈ જશે તો દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની જાહેરાત વિના અનેક દેશો નાદાર થઈ જશે.
દુનિયામાં ક્યારે ક્યારે એનર્જી ઈમરજન્સી જાહેર કરી હતી
સૌથી પહેલી વખત 1973-74માં આરબ-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ વખતે સમર્થનમાં ઉતરનારા તેલ નિકાસકાર દેશોને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, જેને કારણે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી બનાવી હતી. એનર્જી એજન્સીની સ્થાપના પછી 1991માં કુવૈત પર ઈરાકના હુમલાના જવાબમાં અમેરિકાના નેતૃત્વમાં લશ્કરી કાર્યવાહી કરવામાં આવી ત્યારે તેલનું સંકટ ઊભું થયું હતું. 2005માં અમેરિકામાં આવેલા કેટરિના વાવાઝોડાને કારણે તેલની ઈમરજન્સી જાહેર કરી હતી.
2011માં આફ્રિકન દેશ લિબિયામાં નાટોના અભિયાનને કારણે ઊર્જા સંકટનું નિર્માણ થયું હતું. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલની ઈમરજન્સી જાહેર કરી હતી. આ વખતે ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલા ઈરાન પર કરવામાં આવ્યા છે, તેથી ફિલિપાઈન્સમાં સ્થિતિ વકરી છે, પરંતુ કુદરતની થપાટ કરતા માનવસર્જિત ઈમરજન્સી મનુષ્ય જગત માટે અભિશાપ બની જાય છે, જે વાત નકારી શકાય નહીં. વિનાશ ઈરાનનો થશે તો અમેરિકા-ઈઝરાયલ પણ બચી શકશે નહીં.
