March 25, 2026
ધર્મ

જગન્નાથ મંદિરના રત્નભંડારનો ૪૬ વર્ષ પછી ખૂલશે ખજાનો

Spread the love


આરબીઆઈની દેખરેખ હેઠળ સોના-ચાંદીના દાગીનાની ગણતરી પ્રક્રિયા આજથી શરૂ: જાણો સંપૂર્ણ વિગતો


ઓડિશામાં આવેલું ભગવાન જગન્નાથ મંદિરનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. ભગવાન જગન્નાથના દર્શનથી ભક્તોને પુણ્ય મળે છે અને મનમાં રાખેલી માનતાઓ પણ પૂરી થાય છે, જ્યાં ભગવાન જગન્નાથને લોકો લખલૂટ પૈસો દાન પણ કરે છે, ત્યારે બુધવારે મંદિરના રત્નભંડારનો ખજાનો ખૂલવાની વાત છે. બુધવારે તેની ગણતરી પ્રક્રિયા શરુ કરવામાં આવે છે. આજે બપોરના 12.09 વાગ્યાથી 1.40 વાગ્યા સુધી ગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આભૂષણોની ગણતરી કરવામાં આવશે.

આ અગાઉ 1978માં ગણતરી પ્રમાણે આભૂષણોની ગણતરી કરી હતી. ભંડારમાં 367 પ્રકારના સોનાના આભૂષણો છે, જ્યારે 231 પ્રકારના ચાંદીના દાગીના છે. કૂલ મળીને 149.460 કિલો સોનું અને 184 કિલો ચાંદી આવેલું છે. જોકે, 1978 પછી કોઈ ગણતરી થઈ નહીં હોવાથી મંદિરના ખજાનાનું પણ લોકોને જાણવાની તાલાવેલી લાગી હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કદાચ પહેલી વખત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ટીમ પણ ગણતરી વખતે હાજર રહેશે.

ગણતરી માટે વહીવટી પ્રશાસન દ્વારા પૂરી તૈયારીઓ કરવામાં આવી છે, જ્યારે આ ગણતરી વખતે મંદિરના દર્શનાર્થી ફક્ત બેરિકેડમાંથી દર્શન કરી શકશે, જ્યારે મહાપ્રસાદ પણ બહાર લાવવામાં આવશે. ગણતરી માટે જરુરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જ્યારે ગણતરી માટે જરુરી વસ્તુઓને કડક સુરક્ષામાં રત્નભંડારમાં લઈ જવામાં આવશે. મંદિરની બહાર ફાયર બ્રિગેડ, ઓક્સિજનવાળી એમ્બુલન્સ, ક્વિક રિસ્પોન્સ ટીમને પણ તહેનાત રાખવામાં આવી છે. ટ્રેઝરીમાંથી જિલ્લાઅધિકારીની આગેવાનીમાં ચાવી લઈને રત્નભંડાર ખોલવામાં આવશે. ગણતરી પછી ફરીથી જિલ્લાઅધિકારીની ઉપસ્થિતિમાં ભંડારને બંધ કરવામાં આવશે અને ચાવી ફરી ટ્રેઝરીમાં જમા કરવામાં આવશે.

રત્નભંડારની ગણતરી વખતે પારંપારિક વેશભૂષામાં નિર્ધારિત લોકો ઉપસ્થિત રહેશે. ભંડારમાં પ્રવેશ પહેલા ભગવાન લોકનાથના દર્શન કરવામાં આવશે. ગણતરી માટે સુપરવાઈઝિંગ ટીમ અને હેન્ડલિંગ ટીમ બનાવવામાં આવી છે. પૂરી પ્રક્રિયાની વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી અને થ્રીડી મેપિંગ પણ કરવામાં આવશે, જેમાં બે મંદિરના સેવક, બે ઝવેરી, બે જેમોલોજિસ્ટ અને એક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીને પણ સામેલ કરવામાં આવ્યા છે. મુખ્ય વહીવટી અધિકારી અને હાઈ લેવલ કમિટીના અધ્યક્ષના નેતૃત્વમાં સંપૂર્ણ પ્રક્રિયા સંચાલિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!