2026માં ક્યારે છે મહાવીર જયંતી? જાણો ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો અને તીર્થંકર શબ્દનું મહત્વ
જૈનોના 24 તીર્થંકરોમાં છેલ્લાં અને 24મા તીર્થંકર એટલે ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ એટલે ‘મહાવીર જયંતી’. આ સ્ટોરીમાં આપણે વાત કરીશું કે 2026માં મહાવીર જયંતી ક્યારે છે અને ભગવાન મહાવીર સ્વામીએ તેમના અનુયાયીઓને જીવનના કયા પાંચ મૂળ સિદ્ધાંતો આપ્યા હતા. 2026માં માર્ચ મહિનાના અંતમાં મહાવીર જયંતી ઉજવવામાં આવશે. ભગવાન મહાવીર સ્વામીએ દુનિયાને અહિંસા અને સત્યનો માર્ગ બતાવ્યો હતો.
કોણ છે મહાવીર સ્વામી?
જૈન ધર્મની માન્યતા મુજબ, ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી કઠોર મૌન તપસ્યા કરી હતી. આ તપ દરમિયાન તેમણે પોતાની તમામ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. તેમની અજોડ નિડરતા, સહનશીલતા અને અહિંસક વૃત્તિના કારણે તેમને ‘મહાવીર’ નામ આપવામાં આવ્યું. 72 વર્ષની વયે તેમણે પાવાપુરીથી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
તીર્થંકર એટલે શું?
જૈન ગ્રંથોમાં મળતાં ઉલ્લેખ મુજબ, તીર્થંકર એ દિવ્ય પુરુષ છે જેઓ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય દ્વારા આત્માને શુદ્ધ કરી ‘કેવળજ્ઞાન’ પ્રાપ્ત કરે છે. તીર્થ + કર એટલે તીર્થંકર. તીર્થંકર એટલે કે જે સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે ધર્મનો માર્ગ (તીર્થ) બનાવે છે તે. તેઓ મોક્ષનો માર્ગ બતાવી સામાન્ય લોકોને આત્મકલ્યાણ તરફ દોરી જાય છે.
મહાવીર જયંતીની ઉજવણી કેવી રીતે થાય છે?
વાત કરીએ મહાવીર જયંતીની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે એની તો આ દિવસે જૈન લોકો શક્ય એટલું વધારે દાન-પુણ્ય અને તપશ્ચર્યા કરે છે.
. જળાભિષેક અને પૂજા: સવારે જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાનો જળ, દૂધ, કેસર અને ચંદનથી અભિષેક કરવામાં આવે છે.
. શોભાશાત્રા (રથયાત્રા): ભવ્ય રથમાં ભગવાનની પ્રતિમા બિરાજમાન કરી નગર ભ્રમણ કરવામાં આવે છે, જેમાં ધાર્મિક ઝાંખીઓ અને ભજન-કીર્તનનો આનંદ હોય છે.
. ઉપવાસ અને સાધના: જૈન શ્રાવક-શ્રાવિકાઓ મહાવીર જયંતિના દિવસે ઉપવાસ કરે છે અને ધ્યાન-સાધના દ્વારા આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે.
. ગ્રંથ પાઠ: આ દિવસે કલ્પસૂત્ર જેવા જૈન ગ્રંથોનું વાચન કરવામાં આવે છે અને સંતો-મહાત્માઓ મહાવીર સ્વામીના ઉપદેશો પર પ્રવચન આપે છે.
. સેવા અને દાન: ગરીબોને અન્ન-વસ્ત્રનું દાન કરવામાં આવે છે. પક્ષીઓને ચણ અને પશુઓને ઘાસ નીરવામાં આવે છે, જે ‘જીવદયા’નું ઉત્તમ ઉદાહરણ છે.
ભગવાન મહાવીરના પાંચ મુખ્ય ઉપદેશો કયા કયા છે?
24મા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પાંચ પાયાના સિદ્ધાંતો આપ્યા છે જેને પંચશીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ પંચશીલ શું છે એ વિશે પણ વાત કરી જ લઈએ…
1. અહિંસા: મન, વચન કે કર્મથી કોઈ પણ જીવને કષ્ટ ન આપવું.
2. સત્ય: હંમેશા સાચું બોલવું અને સત્યનું પાલન કરવું.
3. અસ્તેય: ચોરી ન કરવી, બીજાની વસ્તુ તેની પરવાનગી વિના ન લેવી.
4. બ્રહ્મચર્ય: પવિત્રતા જાળવવી અને ઇન્દ્રિયો પર સંયમ રાખવો.
5. અપરિગ્રહ: જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો.
