February 10, 2026
નેશનલ

હિમાચલ પ્રદેશમાં ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, દિલ્હીમાં ભારે વરસાદને કારણે સંસદ-સુપ્રીમ કોર્ટમાં પાણી ભરાયા

Spread the love

શિમલાઃ કેરળમાં ભારે વરસાદને મોટી જાનહાનિના સમાચાર વચ્ચે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે, તેમાંય વળી પાટનગર દિલ્હીમાં વરસાદને કારણે સંસદભવન અને સુપ્રીમ કોર્ટમાં પાણી ભરાતા વિપક્ષે સરકારની કામગીરી પર સવાલ ઊભા કર્યા હતા.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ત્રણ અલગ અલગ જગ્યા સ્થાનિક લોકો કફોડી હાલતમાં મૂકાયા છે. ભારે વરસાદ પડવાની સાથે વાદળ ફાટવાની ઘટનામાં નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું હોવાના સમાચાર છે. પાવર્તી નદીમાં પાણીનું સ્તર વધતા મલાાણામાં પ્રોજેક્ટ એકનો ડેમ તૂટી ગયો છે.
himachal pradesh
રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટવાને કારણે સમેજ ગામના અનેક ઘરો પાણીમાં વહી ગયા હતા. અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે 51 લોકો ગુમ છે. બચાવ કામગીરી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમના જવાનો જોતરાયા છે.
ઉત્તરાખંડના કેદારનાથ અને ટિહરી ગઢવાલના ઘનસાલીમાં બુધવારે રાતે વાદળ ફાટ્યું હતું, જે ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક જણને ઈજા પહોંચી છે. કેદારનાથ યાત્રા રુટમાં 30 મીટરનો રસ્તો ધસી પડ્વાને કારણે 200થી વધુ લોકો ફસાયા છે, જેથી યાત્રાને રોકી દેવામાં આવી છે. બીજી બાજુ ધર્મશાલામાં ભારે વરસાદને કારણે સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદ પડશે. કુલ્લુમાં ભારે વરસાદને કારણે તમામ સ્કૂલમાં બે દિવસની રજા જાહેર કરી છે.
પાટનગર દિલ્હીમાં ગઈકાલે સાંજ પછી રાતના ભારે વરસાદ પડ્યા પછી નવા સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, લુટિયંસ દિલ્હી, ભારત મંડપમ, ઈન્ડિયા ગેટ-રિંગ રોડ ટનલ, પ્રગતિ મેદાન પણ પાણીમાં ડૂબ્યા હતા, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પાટનગરમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. 20 મિનિટના રુટ પરથી પસાર થવામાં લોકોને ચારથી પાંચ કલાક લાગતા વાહનચાલકોએ ભારે હાલાકી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!