મુંબઈમાં મેઘરાજાએ લીધો વિરામ તો મરાઠવાડા, કોંકણના મુશળધાર વરસાદની આગાહી…
મુંબઈ: છેલ્લાં ત્રણ ચાર દિવસથી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદે ગઈકાલ સાંજથી થોડો બ્રેક લીધો હોઈ આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા હળવા ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન મહારાષ્ટ્રના કોંકણ ખાતે મધ્યમ વરસાદની આગાહી સાથે ઠંડકનો અહેસાસ જોવા મળવાની આગાહી હવામાનશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યના ઘાટ સેકશન સહિત મરાઠવાડા અને વિદર્ભને મેઘરાજા ઘમરોળી નાખશે. એમાં પણ પશ્ચિમ મરાઠવાડામાં વરસાદનું જોર વધુ હશે જ્યારે બાકીના વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વરસાદ માટે પૂરક એવો ઓછા દબાણનો પટ્ટો દક્ષિણમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે દેશના દક્ષિણમાં આવેલા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કોંકણના રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગમાં વરસાદ માટે અનુરૂપ વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે આ ભાગમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે સતારા ખાતેના ઘાટ સેકશનમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મુશળધારથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે ગયા વીક એન્ડથી મુંબઈ અને અને આસપાસમાં પડેલા મુશળધાર વરસાદમાંથી મુંબઈગરાઓને એક બે દિવસની રાહત મળી રહી છે, એવું હવામાન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
