એક ઔર જીતઃ હવે ઇંગ્લેન્ડ સામે ભારતે લીધો બદલોઃ અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
રોહિત, સૂર્યા કુમાર યાદવ, હાર્દિક તથા અક્ષર, કુલદીપ, બુમરાહે મચાવી ધમાલ
ગુયાનાઃ અહીં પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટવેન્ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે મેચમાં અવરોધ આવ્યો હતો. ટોસ કરવામાં વિલંબ કર્યા પછી મેચ પણ મોડી શરુ થઈ હતી. એક તબક્કે મેચને સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. 20 ઓવરમાં ભારતે સાત વિકેટે 171 રન કર્યા હતા, જ્યારે તેની સામે ઇંગ્લેન્ડ 16.4 ઓવરમાં 103 રને ઓલઆઉટ કરતા 68 રને ભારત જીત્યું. ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારત વધુ એક મેચ જીતવાને કારણે જીતની આગેકૂચ જારી રહી છે, જ્યારે હવે દક્ષિણ આફ્રિકા સામે ભારતની ફાઈનલમાં ટક્કર રહેશે. ભારતીય ટીમ 10 વર્ષ બાદ ટવેન્ટી-20 ફાઈનલમાં પહોંચ્યું છે.
172 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી ઇંગ્લેન્ડ ટીમ પર સરેરાશ સાડા આઠની રન રેટથી રમવાનું દબાણ હતું. પહેલી વિકેટ અક્ષર પટેલે જોસ બટલરની લીધી હતી. કેપ્ટન બટલરે 15 બોલમાં 23 રન બનાવ્યા હતા, ત્યારબાદ 34 રને ઈંગ્લેન્ડે ફિલિસ સોલ્ટની વિકેટ ગુમાવી હતી. જસપ્રીત બુમરાહે સોલ્ટને ક્લિન બોલ્ડ કર્યો હતો. સોલ્ટ પછી બીજા એક રન પછી જોહની બેરસ્ટોની વિકેટ પણ અક્ષર પટેલે ખેરવી હતી. બીજા સ્પેલમાં કુલદીપ યાદવે વિકેટ લેવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. કુલદીપ યાદવે પણ હેરી બ્રુક, સેમ કરન અને ક્રિસ જોર્ડનની વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં બે રન આઉટ (લિયામ લિવિંગસ્ટોન) અને આદિલ રસીદ પણ રનઆઉટ થયા હતા, જેથી ઇંગ્લેન્ડ વહેલું ઘરભેગું થયું હતું.
આજની મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. અક્ષર પટેલે ત્રણ વિકેટ, એક રન આઉટ કરવાની સાથે દસ રન ફટકાર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ સામે જીતનો પાયો નાખવામાં મહત્ત્વની વિકેટો ઝડપવાને કારણે મેન ઓફ ધ મેચ બન્યો હતો.
ટોસ જીતીને ઇંગ્લેન્ડના કેપ્ટને ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું. પહેલા બેટિંગમાં આવેલી ભારતીય ટીમે વરસાદના વિઘ્ન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમવતીથી રમતમાં આવેલ વિરાટ કોહલીની સસ્તામાં વિકેટ પડી હતી, ત્યારબાદ વરસાદનું વિઘ્ન આવ્યું હતુ, પરંતુ ત્યારપછી 20 ઓવર પૂરી રમ્યા હતા. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સાથે આજે પણ કેપ્ટન રોહિત શર્મા આક્રમક ઈનિંગ રમ્યો હતો, જેમાં 39 બોલમાં બે સિક્સર અને છ ચોગ્ગા સાથે 57 રન માર્યા હતા, ત્યારબાદ ઋષભ પંત (ચાર), સૂર્યકુમાર યાદવ (36 બોલમાં) 47, હાર્દિક પંડ્યા (13 બોલમાં 23 રન), અક્ષર પટેલ છ બોલમાં 10 રન માર્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજા નવ બોલમાં 17 રન ફટકારીને નોટ આઉટ રહ્યો હતો. 20 ઓવરમાં સાત વિકેટે 171 રન કર્યા હતા.
ઇંગ્લેન્ડ વતીથી સૌથી વધુ વિકેટ ક્રિસ જોર્ડને લીધી હતી. ત્રણ ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે આર. ટોપ્લે (1), જોફરા આર્ચરે એક, સેમ કરેને એક અને ક્રિસ જોર્ડનને એક વિકેટ ઝડપી હતી. જોકે લિવિંગસ્ટોનને વિકેટ મળી નહોતી. સૌથી મોંઘી ઓવર સેમ કરનની રહી હતી. બે ઓવરમાં પચીસ રન આપ્યા હતા. આમ છતાં છેલ્લે જોફરા આચરે સારી લડત આપી હતી. પંદર બોલમાં 21 રન કર્યા હતા. ઇંગ્લેન્ડની અડધી ટીમ પચાસ રને આઉટ થઈ હતી, પરંતુ એના પછી ઇંગ્લેન્ડે બિલકુલ પકડ ગુમાવતા માંડ બીજા 53 રન ઉમેરીને ઓલઆઉટ થઈ હતી.
અહીં એ જણાવવાનું કે બે વર્ષ પહેલા ટવેન્ટી ટવેન્ટીની સેમી ફાઈનલમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. એ હારનો બદલો આજે પૂરો થયો છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ ક્રિકેટપ્રેમીઓએ જોરદાર જીતના મિમ્સ શેર કર્યા હતા. આ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને ભારતે 2023ના વર્લ્ડ કપનો બદલો લીધો હતો, આજે ઇંગ્લેન્ડ સામે 2022નો બદલો લીધો હતો. શનિવારે હવે દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ ફાઈનલમાં રમશે.
