February 20, 2026
મુંબઈ

Marine Drive પર મોન્સુનની મજા માણવા ગઈ હતી મહિલા, અચાનક પગ લપસ્યો અને..

Spread the love

મુંબઈ: ચોમાસા દરમિયાન દરિયા કિનારે જવાનો મોહ મુંબઈગરા રોકી શકતા નથી અને આ જ કારણે પ્રશાસન દ્વારા પણ નાગરિકોને દરિયા કિનારે જતા સાવધાની રાખવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ પાંચ દસ મિનિટની મોજને કારણે લોકો આ ભલામણ તરફ આંખ આડા કાન કરે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

આવી જ એક ઘટના મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે બની હતી, જેમાં પગ લપસી જતાં એક મહિલા દરિયામાં પડી ગઈ હતી. સદ્દભાગ્યે સમયસર મદદ મળી રહેલા મહિલાનો જીવ બચી ગયો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મુલુંડની સ્વાતી કનાની નામની મહિલા મરીન ડ્રાઈવ ફરવા માટે આવી હતી અને એ સમયે જ પાળ પરથી તેમનો પગ લપસી ગયો અને તે સીધી નીચે પડી ગઈ હતી. પરંતુ સદભાગ્યે સમયસર પોલીસ અને લાઈફ ગાર્ડની મદદ મળતા મહિલાને સુખરૂપ ઉગારી લેવામાં મદદ મળી હતી.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બપોરે 2.45 કલાકે સુંદર મહલ જંક્શન ખાતે આ ઘટના બની હતી. મહિલાને ઉગારી લેવામાં કિરણ ઠાકરે અને અમોલ દહિફળે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે દોરીની મદદથી મહિલાને ઉગારી લીધી હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં આ મહિલા મરીન ડ્રાઈવ ખાતે મૂકવામાં આવેલા પથ્થરો પર પડી હોવાનું જોવા મળ્યું હતું. આ મહિલા પણ ખૂબ ગભરાઈ ગઈ હતી. મહિલાને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મળી રહેલી માહિતી અનુસાર આશરે 20 મિનિટ સુધી આ બચાવ કાર્ય ચાલ્યું હતું. આ સમયે મહિલા પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી અને તેમણે જ મહિલાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!