ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રીઃ 70થી વધુ તાલુકામાં વરસાદનું આગમન
ગાંધીનગરઃ કાગડોળે જેની રાહ જોવામાં આવી રહી છે એ મેઘરાજાની સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે સવારથી વાપી, વરસાડ, નવસારી, ડાંગ અને ગીર સોમનાથ સાથે ભરૂચ અને સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરુઆત થઈ ગઈ છે. સમગ્ર ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું છે ત્યારે રવિવારે રાતથી સવારના અનેક તાલુકામાં વરસાદનું આગમન થયું છે.
એક અઠવાડિયા સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો, જેમાં મોટી પાનેલી, શિતલા કાલાવાડમાં ધીમી ધારે મેઘરાજાના આગમન સાથે નાપાણીયા ખીજડીયા ગામમાં સારો એવો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, વાપી, વરસાડ, ભરૂચ, સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે આકરી ગરમીથી જનતાને છૂટકારો મળ્યો હતો.સુરત શહરેના અનેક વિસ્તાર પૈકી ખટોદરા, ભટાર, રિંગ રોડ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાને કારણે ખેડૂતોએ રાહત અનુભવી છે.
ભરૂચ જિલ્લામાં રવિવારે મોડી રાતે વરસાદ પડ્યો હતો, જેમાં જંબુસર, પાલેજ સહિત અન્ય ગામમાં પણ વરસાદ ખાબક્યો છે. મોડી રાતથી વરસાદ ચાલુ હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ વાવણી કરવાની આશા જાગી છે. છેલ્લા 24 કલાકમાં 70થી વધુ તાલુકામાં વરસાદનું આગમન થયું છે.
રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું હોય એમ રાજ્યના કૂલ 78 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં તાપીના કુકરમુંડામાં વધુ વરસાદ પડ્યો છે. વાપી-વલસાડ સહિત વ્યારા, નિઝર તેમ જ નર્મદા જિલ્લાના સાગબારામાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, આજે સુરત, વાલીયા, નસવાડી, હાલોલમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા 23મી જૂનના અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
