Lok Sabha Election: 10 રાજ્યની 96 બેઠક પર કેટલું થયું વોટિંગ, ક્યાં ઘટ્યું મતદાન?
મહારાષ્ટ્રમાં સૌથી વધુ અને ઓછું મતદાન કઈ બેઠક પર થયું, જાણો!
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ચોથા તબક્કાનું મતદાન સોમવારે સંપન્ન થયું. દેશના 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 96 બેઠક પર મતદાન પૂરું થયું. આ લોકસભાની ચૂંટણીમાં એકંદરે મતદાનમાં ઘટાડાની ચોથા તબક્કામાં પરંપરા જળવાઈ એટલે મતદાનમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ચોથા તબક્કામાં 67.71 ટકા મતદાન થયું, જ્યારે 2019માં આટલી બેઠકો પર 68.8 ટકા મતદાન થયું હતું.
આમ છતાં ચૂંટણી પંચ સુધારિત ડેટા આગામી દિવસોમાં રજૂ કરશે, તેનાથી વધારો થવાની શક્યતા છે. પહેલી તબક્કાની તુલનામાં વોટિંગમાં ઘટાડો થયો છે. 102 બેઠક પરના પહેલા તબક્કામાં 66.14 ટકા મતદાન થયું હતું. 2019ના વર્ષમાં 69.39 ટકા મતદાન થયું હતું.
બીજા તબક્કાની વાત કરીએ તો 88 બેઠક પર મતદાન થયું હતું. બીજા તબક્કામાં 66.71 ટકા વોટિંગ થયું હતું, પણ 2019માં 69.63 ટકાથી ઓછું થયું હતું. 96 બેઠક પૈકી મહારાષ્ટ્રની 11 બેઠક પર ગઈકાલે મતદાન થયું, જેમાં સૌથી વધુ મતદાન બીડમાં થયું હતું. એનાથી વિપરીત પુણેમાં ઓછું વોટિંગ થયું હતું. બીડની સીટ પર 69.74 ટકા, નંદુરબાર 67.12 ટકા, અહેમદનગર 62.76 ટકા, રાવેરમાં 61.36 ટકા, શિરડીમાં 61.13 ટકા, ઔરંગાબાદમાં 62.76 ટકા, જળગાંવ 53.65, માવળ 52.90 ટકા, શિરપુર 51.46 ટકા તેમ જ પુણેમાં 51.25 ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં ચોથા તબક્કામાં રાવસાહેબ દાનવે, પકંજા મૂડે અને અમોલ કોલ્હે સહિત અન્ય નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થયું.
પહેલા બે તબક્કાની માફક 93 લોકસભાની સીટ પરના ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું, જ્યારે 2019માં 67.3 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કાની વિસ્તૃત આંકડા જોઈએ તો કાશ્મીરમાં શ્રીનગર લોકસભાની બેઠક પર 23 ટકા મતદાન વધ્યું છે. 2019માં અહીંની બેઠક પર 14.39 ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે 37.98 ટકા વોટિંગ થયું છે.
જમ્મુ કાશ્મીર સિવાય જો કોઈ રાજ્યમાં વોટિંગની ટકાવારીમાં વધારો થયો છે તો તે આંધ્ર પ્રદેશ અને તેલંગણા છે. તેલંગણામાં 2019માં 62.69 ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે 64.74 ટકા. ઓડિશામાં આ વખતે 73.97 થયું છે, જ્યારે અગાઉ 73.95 (2019માં) ટકા થયું હતું. તેલંગણાની તમામ 17 બેઠક અને ઓડિશાની બાકી ચાર બેઠક પર સોમવારે મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં આ વખતે શાંતિપૂર્ણ મતદાન થયું અને મોટી સંખ્યામો લોકોએ મતદાન કર્યું હતું. ચોથા તબક્કામાં 78.37 ટકા મતદાન થયું પણ 2019માં 82 ટકાથી વધુ મતદાન થયું હતું. આંધ્ર પ્રદેશમાં 79.64 ટકા મતદાન થયું હતું, પરંતુ આ વખતે ઘટીને 76.5 ટકા થયું. 543 લોકસભાની બેઠક પૈકી 379 બેઠક પર મતદાન સંપન્ન થયું હતું.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 13 બેઠક પર મતદાન થયું. પહેલા ત્રણ તબક્કાની તુલનામાં 13 બેઠક પર એકદંરે 58 ટકાથી વધુ મતદાન થયું હતુ, જેમા બીજા તબક્કામાં 55.19 ટકા, ત્રીજા તબક્કામાં 57.55 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન ખીરીમાં 64 ટકા, દૌરહરામાં 64.45 ટકા થયું, પરંતુ મહાનગર પૈકી કાનપુરમાં 53 ટકા મતદાન થયું હતું.
સોમવારે 13 યુપી, 11 મહારાષ્ટ્ર, આઠ મધ્ય પ્રદેશ, પાંચ બિહાર અને ઝારખંડ-ઓડિશાની ચાર-ચાર બેઠક પર મતદાન થયું હતું. આગામી પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના આઠ રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશની 49 બેઠક પર મતદાન થશે, જેમાં મહારાષ્ટ્રની મુંબઈ, થાણે, ભિવંડી બેઠકોનો સમાવેશ થાય છે.
