રિયલ સ્ટોરીઃ જીત અને જળપ્રલય…
નેપાળના ચિતવનનું એક નાનકડું ગામ. અને ગામમાં ફૂટબોલનો ભારે ક્રેઝ. આખા દેશમાં સૌથી વધુ લોકોને ક્રિકેટ કરતા પણ ફૂટબોલ રમવાનો વધુ ક્રેઝ રહેતો. 26મી ઓગસ્ટનો એ દિવસ. એ વહેલી સવારે ફૂટબોલનું મેદાન દર્શકોની કિલકારીઓ અને ઉત્સાહથી ગૂંજતું હતું. મોહનસરની આગેવાની હેઠળ બિહારી ટીમે ગોરખા ટીમને ૫-૦થી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો. વિદ્યાર્થીઓ હજુ જીતની ખુશી મનાવી જ રહ્યા હતા, ત્યાં જ કુદરતે રૌદ્ર રૂપ ધારણ કર્યું. પહાડ પરથી વિનાશક પૂર અને વાવાઝોડું કાળ બનીને ધસી આવ્યા.
ગોરખા ટીમ તોફાનને પરખીને પહેલા જ નીકળી ગઈ, પણ અજાણ બિહારી ટીમના ખેલાડીઓ અને બાળકો જીવ બચાવવા ઊંચી ટેકરી તરફ ભાગ્યા. વિજયના હીરો મુના, ટીનુ, મીનુ અને ચંપક એકબીજાનો હાથ પકડીને ભાગતા રહ્યા. મોહનસર અને શાળાનો સ્ટાફ પોતાની જાનના જોખમે બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા મથામણ કરી રહ્યા હતા. પરંતુ, કુદરતના કોપ આગળ માનવ લાચાર હતો. ટેકરી ચઢતા જ ટીનુનો પગ લપસ્યો અને એને બચાવવા જતાં મીનુ અને ચંપક પણ ઊંડી ખાઈમાં ગરકાવ થઈ ગયા.
જોતજોતામાં ફૂટબોલનું મેદાન મહાસાગરમાં ફેરવાઈ ગયું અને શાળાનું નામોનિશાન મટી ગયું. પવનના તીવ્ર પ્રહાર સાથે આવેલા સુનામી જેવા પ્રલયમાં એક પછી એક બાળકો અને શિક્ષકો કાળનો કોળિયો બનતા ગયા. તોફાન શાંત થયા પછી જ્યારે મોહનસરે આંખો ખોલી, ત્યારે તેઓ એક ઘેઘૂર વૃક્ષની બખોલમાં એકલા જ બચ્યા હતા.
જે મેદાનમાં કલાક પહેલા ઉત્સાહ અને રોમાંચ હતો, ત્યાં હવે માત્ર શાંતિ અને વિનાશનો સન્નાટો હતો. પરિવાર, સ્ટાફ અને પોતાના બાળ સમાન વિદ્યાર્થીઓને આંખો સામે ગુમાવ્યા પછી મોહનસર કુરુક્ષેત્રમાં બાણશૈયા પર પડેલા ભીષ્મપિતામહ જેવી એકલતા અને વેદના અનુભવી રહ્યા હતા. “હું એકલો જ કેમ બચ્યો?” એ સવાલનો જવાબ ઈશ્વર પાસે પણ નહોતો. છતાં, “અંત એ જ નવો આરંભ છે” એ ઉક્તિને હૃદયમાં ધારીને, તેઓ રાખમાંથી ફરી બેઠા થવાનો અથાક પ્રયાસ કરી રહ્યા હતા.
