ભારતમાં ક્યાંથી આવ્યા મલેશિયા-ઈન્ડોનેશિયન ઓરાંગઉટાન? ઓડિશામાં ૫ દુર્લભ પ્રાણી મળ્યા બાદ વન વિભાગ સતર્ક
Wildlife: આંતરરાષ્ટ્રીય વન્યજીવ તસ્કરી સાથે સંકળાયેલા મોટા રેકેટની સંડોવણી હોવાની પ્રબળ શંકા
ઓડિશાના વન્ય વિસ્તારમાંથી વિદેશી અને અત્યંત દુર્લભ ગણાતા પાંચ ઓરાંગઉટાન (Orangutans) શંકાસ્પદ હાલતમાં મળી આવતાં વન વિભાગ અને વાઈલ્ડલાઈફ એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. ઓરાંગઉટાન સામાન્ય રીતે ઇન્ડોનેશિયા અને મલેશિયાના રેઈનફોરેસ્ટમાં જોવા મળતી દુર્લભ વાનર પ્રજાતિ છે, જેનું ભારતીય જંગલોમાં કુદરતી નિવાસસ્થાન નથી. ભારતના જંગલ વિસ્તારમાંથી આ પ્રકારના વિદેશી પ્રાણીઓ મળી આવવાથી આંતરરાષ્ટ્રીય વન્યજીવ તસ્કરી સાથે સંકળાયેલા મોટા રેકેટની સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
ઓડિશામાંથી દુર્લભ ઓરાંગઉટાન મળવાની ઘટના
સ્થાનિક ગ્રામજનો અને પેટ્રોલિંગ ટીમે જંગલ વિસ્તારમાં આ અસામાન્ય પ્રાણીઓને જોયા બાદ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ૫ ઓરાંગુટાનને સુરક્ષિત કસ્ટડીમાં લીધા છે. રેસ્ક્યુ કરવામાં આવેલા ઓરાંગુટાનને પ્રાથમિક સારવાર અને સ્વાસ્થ્ય તપાસ માટે સ્પેશિયલ વેટરનરી ટીમ પાસે મોકલવામાં આવ્યા હતા, જેથી તેમની શારીરિક સ્થિતિ અને ઉંમરની ચોક્કસ વિગતોની માહિતી મેળવી શકાય.
આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટની આશંકા
વૈશ્વિક સ્તરે એક્ઝોટિક વાઈલ્ડલાઈફ માર્કેટમાં ઓરાંગઉટાનની કિંમત કરોડો રૂપિયામાં બોલાય છે. ભારતના વિવિધ મહાનગરોમાં ગેરકાયદેસર શોખીનોને ઊંચા ભાવે વેચવા માટે તેમને લાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ વિદેશી પ્રજાતિને પૂર્વોત્તર સરહદ (મ્યાનમાર રૂટ) અથવા પૂર્વ દરિયાકાંઠાના માર્ગેથી દેશમાં ઘુસાડવામાં આવી હોવાની સંભાવના છે. ચેકિંગ કે પોલીસની નાકાબંધીના ડરથી તસ્કરો તેમને જંગલમાં છોડીને ભાગી ગયા હોવાનું અનુમાન છે.
CITES અને કડક વન્યજીવ કાયદા હેઠળ તપાસ
ઓરાંગઉટાન CITES (કન્વેન્શન ઓન ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન એન્ડેન્જર્ડ સ્પીસીસ)ના પરિશિષ્ટ-1 હેઠળ અત્યંત સંરક્ષિત શ્રેણીમાં આવે છે. વન વિભાગ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ કન્ટ્રોલ બ્યુરો (WCCB)એ સંયુક્ત રીતે સમગ્ર નેટવર્ક, ટ્રાન્સપોર્ટેશન રૂટ અને સ્થાનિક કનેક્શન્સ શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
