May 13, 2026
ટોપ ન્યુઝહેલ્થ

સ્માર્ટફોને છીનવ્યો આપણો અવાજ: રોજિંદા સંવાદમાં સરેરાશ 28 ટકાનો થયો ઘટાડો, યુવાનો માટે છે ખતરાની ઘંટડી…

Spread the love

સ્માર્ટફોનના આ યુગમાં આપણે ભલે ડિજિટલ રીતે એકબીજા સાથે સતત જોડાયેલા હોઈએ, પરંતુ વાસ્તવિકતામાં એવું છે ખરું? તમને નથી લાગતું કે આપણા રોજબરોજના જીવનમાં વાતચીત એટલે કે સંવાદ ઘટી રહ્યો છે? આવું અમે નહીં પણ તાજેતરમાં જ થયેલાં એક મોટા સંશોધનમાં સામે આવેલા આંકડા જોતા લાગી રહ્યું છે. આ આંકડાઓ ખરેખર વિચારતા કરી દે તેવા છે. ચાલો જોઈએ શું છે આ સર્વે અને શું કહે છે આંકડાઓ…

મિસૌરી-કેનસાસ સિટી અને એરિઝોના યુનિવર્સિટીના સંશોધકો દ્વારા 2005થી 2019 દરમિયાન 2200 લોકોની ઓડિયો રેકોર્ડિંગનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં સામે આવેલા તારણો અનુસાર અગાઉ એક વ્યક્તિ દિવસમાં સરેરાશ 16,632 શબ્દો બોલતી હતી અને હવે આ આંકડો ઘટીને માત્ર 11,900 શબ્દો પર આવી ગયો છે. એટલે કે, રોજબરોના સંવાદમાં આશરે 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અભ્યાસમાં સામે આવેલા બીજા ચોંકાવનારા તારણો વિશે વાત કરીએ તો આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં બોલવાની ક્ષમતામાં સૌથી વધુ ઘટાડો થયો છે. યુવાનો દરરોજ સરેરાશ 451 શબ્દો ઓછા બોલી રહ્યા છે, જે તેમની સોશિયલ સ્કીલ માટે ચિંતા કરાવે એવો વિષય છે.

નિષ્ણાતો માને છે કે હવે લોકો સામ-સામે વાત કરવાને બદલે મેસેજ અથવા સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરે છે. અગાઉ રસ્તો પૂછવા કે દુકાનદાર સાથે વાત કરવા જેવી નાની બાબતો માટે જે ‘હ્યુમન કનેક્ટ’ હતો, તે હવે ઓનલાઇન મેપ અને સર્વિસિસને કારણે ખતમ થઈ રહ્યો છે. એક આઘાતજનક તારણ મુજબ, જ્યારે માતાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરતી હોય છે, ત્યારે તેઓ તેમના બાળકો સાથે 16 ટકા ઓછી વાત કરે છે.

મનોવૈજ્ઞાનિકોના મતે, વાતચીત ઘટવાથી માત્ર એકલતા જ નથી વધતી, પરંતુ લોકોમાં સામી વ્યક્તિના હાવભાવ અને અવાજનો ઉતાર-ચઢાવ સમજવાની ક્ષમતા પણ નબળી પડી રહી છે. વાતચીત એ એક સક્રિય પ્રક્રિયા છે જેમાં એકાગ્રતા અને પ્રતિભાવની જરૂર હોય છે, જે હવે ડિજિટલ મેસેજમાં ખોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!