Election Result: આટલા ઉમેદવારે બનાવ્યા જીતના રેકોર્ડ, ગુજરાતના નેતાઓની હરણફાળ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો અનેક નેતાઓને જોરદાર આંચકા આપ્યા છે, જ્યારે અનેક નેતાઓ બમ્પર જીતના રેકોર્ડ બનાવ્યા છે. સૌથી મોટો રેકોર્ડ નોંધાવનાર મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠકના શંકર લાલવાની છે. 11.72 લાખ વોટથી જીતીને આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ બનાવ્યો છે. મોટા માર્જિનથી ચૂંટણી જીતવામાં શંકર લાલવાનીનું નામ નોંધાયું છે, જ્યારે અહીંની બેઠકમાં પણ સૌથી વધુ નોટા મત મળ્યા છે. એના પછી આસામની ધુબરી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર રકીબુલ હુસૈન 10.72 લાખથી જીત્યા છે. ત્રીજી સૌથી મોટી જીત મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની છે. વિદિશાની બેઠક પરથી 8.21 લાખ મત મેળવીને ચૌહાણે રેકોર્ડ નોંધાવ્યો છે. શિવરાજ સિંહ ચૌહાણ પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ચોથા નંબરે છે. 7.44 લાખ વોટના માર્જિનથી સોનલ પટેલને હરાવ્યા છે.
પાંચમા ક્રમે ગુજરાતની નવસારી બેઠક પર સીઆર પાટીલે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને 7.73 લાખના અંતરથી હરાવીને રેકોર્ડ કર્યો છે. ટીએમસીના નેતા અભિષેક બેનરજીએ પણ ભાજપના ઉમેદવાર અભિજિત દાસને 7.11 લાખ વોટના માર્જિનથી પશ્ચિમ બંગાળની ડામંડ હાર્બર લોકસભા બેઠક પરથી હરાવ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બે મોટી જીત નોંધાવી છે, જેમાં રાયબરેલીની બેઠક પરથી દિનેશ પ્રતાપ સિંહને 3.90 લાખના મતથી અને વાયનાડની બેઠક પરથી 3.64 લાખના મોટા માર્જિનથી જીત મેળવી છે.
છત્તીસગઢની રાયપુર લોકસભાની બેઠક પર 10.5 લાખથી ભાજપના નેતા બૃજમોહન અગ્રવાલે કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઉપાધ્યાયને 5.75 લાખના મતના માર્જિનથી હરાવ્યા છે. ઉપરાંત, ગુજરાતની બરોડા બેઠક પર ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ 5.82 લાખ વોટના મોટા માર્જિનથી જીત મેળવી હતી. દિલ્હી એનસીઆરમાં ગૌતમબુદ્ધ નગર લોકસભા સીટ પરથી ભાજપના મહેશ શર્માએ 5.59 લાખ વોટના માર્જિનથી પોતાના હરીફ ઉમેદવારને હરાવ્યા હતા, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા (5.40 લાખ મત) અને ગુજરાતમાં પંચમહાલની સીટ પર મહેન્દ્ર સિંહ (પાંચ લાખ)એ પણ મોટી જીત નોંધાવી હતી.
ગાંધી પરિવારથી લઈને પવાર અને લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યોના પરિણામો જાણો
ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધીને મોટી જીત મળી હતી, પરંતુ કાકી મેનકા ગાંધી સુલ્તાનપુરથી હારી ગયા. બારામતીમાં સુપ્રિયા સુળે જીત્યા પણ ભાભી સુનેત્રા પવાર હારી ગયા. સુપ્રિયા સુળે જીતીને એનસીપીનો મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીયસ્તરે નામ વધાર્યું છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની એક દીકરી જીતી પણ બીજી હારી. મિસા ભારતી ત્રીજી વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે, જ્યારે બીજી બહેન રોહિણી આચાર્ય સારન બેઠક પરથી હારી. મિસા ભારતીએ કાકા રામ કૃપાલ યાદવને હરાવ્યા છે, જ્યારે ભાજપના રાજીવ પ્રતાપ રેડ્ડીએ રોહિણી આચાર્યને હરાવી હતી. આ ઉપરાંત, અન્ય દિગ્ગજ નેતાઓની હારની યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને યુસુફ પઠાણે હરાવ્યા, જ્યારે ભાજપનાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના દિગ્ગજ કિશોરીલાલે હરાવ્યા.
