Election Day: મુંબઈ, થાણે-કલ્યાણ-ડોંબિવલીની બેઠક પરના ઉમેદવારો કોણ છે, જાણો?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું આવતીકાલે મતદાન રહેશે, જેમાં મુંબઈ સહિત થાણે, કલ્યાણ-ડોંબિવલી, ભિવંડી, ડિંડોરી સહિતની બેઠકનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રની કુલ 13 બેઠકના મતદાન સાથે લોકસભાની ચૂંટણીની તમામ બેઠકોની ચૂંટણી પણ સોમવારના મતદાન સાથે પૂરી થશે. મુંબઈ રિજનમાં મુંબઈ સાઉથ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ વેસ્ટ, મુંબઈ નોર્થ ઈસ્ટ તેમ જ મુંબઈ નોર્થનો સમાવેશ થાય છે. આવતીકાલે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે, તેથી ગરમી વચ્ચે લોકો સવારે અથવા સાંજે મતદાન કરવાનું વધુ પસંદ કરી શકે છે. આવતીકાલે સ્કૂલ, કોલેજ, બેંક સહિત અન્ય સરકારી અર્ધ સરકારી કચેરીઓ બંધ રહેશે, જ્યારે ડ્રાય ડે રહેશે. મુંબઈ રિજનના મહત્ત્વના ઉમેદવાર સાથે કુલ મતદારની સંખ્યાની વાત કરીએ.

મુંબઈ સાઉથઃ મુંબઈ સાઉથની બેઠક પર 15.36 લાખ મતદાર સાથે ઉદ્ધવ ઠાકરે ગ્રૂપના નેતા અરવિંદ સાવંતની સામે શિવસેના (એકનાથ શિંદે)ના ઉમેદવાર યામિની જાધવ છે. અહીંની બેઠક પર આઠ ઉમેદવાર છે, જ્યારે 2019માં શિવસેનાના ઉમેદવાર અરવિંદ સાવંત જીત્યા હતા.
મુંબઈ સાઉથ સેન્ટ્રલઃ અહીંની બેઠક પર શિવસેના (એકનાથ શિંદે)ના 51 વર્ષના ઉમેદવાર રાહુલ શેવાળે સામે ઉદ્ધવ ઠાકરે જૂથના અનિલ દેસાઈ મેદાનમાં છે. 14.74 લાખ મતદાર ધરાવતી આ બેઠક પર 2019માં રાહુલ શેવાળે જીત્યા હતા.
મુંબઈ નોર્થ સેન્ટ્રલઃ મુંબઈ નોર્થ સેન્ટ્રલની બેઠક પરથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 69 વર્ષીય નિકમ પર પસંદગી ઉતારી છે, જ્યારે તેમની સામે કોંગ્રેસનાં વર્ષા ગાયકવાડ સહિત કુલ 27 ઉમેદવાર ટક્કર આપશે. વિધાનસભાની છ બેઠક સહિતની અહીંની બેઠક પર કુલ 17.44 લાખ મતદાર છે.
મુંબઈ નોર્થ વેસ્ટઃ મુંબઈ નોર્થ વેસ્ટની બેઠક પર 17.34 લાખ મતદાર છે, જ્યારે ચૂંટણીમાં પંદર ઉમેદવાર મેદાનમાં છે. અહીંની બેઠક પર ઉદ્ધવ ઠાકરે જૂથના અમોલ કીર્તિકર સામે એકનાથ શિંદે જૂથના રવિન્દ્ર વાયકર છે. 2019માં મુંબઈ નોર્થ વેસ્ટની બેઠક પરથી ગજાનન કીર્તિકર જીત્યા હતા, જ્યારે તેમનો દીકરો ઉદ્ધવ ઠાકરે જૂથમાં છે, જ્યારે પિતા શિંદે જૂથમાં છે.
મુંબઈ નોર્થ વેસ્ટઃ મુંબઈ નોર્થ વેસ્ટની સીટ પરથી ભાજપે મનોજ કોટકની ટિકિટ કાપીને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાને સીટ આપી છે. 16.36 લાખ મતદાર ધરાવતી અહીંની બેઠક પર મિહિર કોટેચાની સામે ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય દીના પાટીલ મેદાનમાં છે. મુલુંડ, વિક્રોલી, ભાંડુપ, ઘાટકોપર વેસ્ટ, ઘાટકોપર પૂર્વ અને માનખુર્દ વિધાનસભાની બેઠક ધરાવતી લોકસભાની મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પર મનોજ કોટક 2019માં જીત્યા હતા.
મુંબઈ નોર્થઃ છેલ્લે મુંબઈ નોર્થની બેઠક પર વાત કરીએ તો 18.11 લાખ મતદાર ધરાવનારી અહીંની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને ટિકિટ આપી છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે ભૂષણ પાટીલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ભાજપે જુગાર રમીને અહીંની બેઠક પર ગોપાલ શેટ્ટી (2019ના વિજેતા)નું પત્તુ કાપીને પિયૂષ ગોયલને ટિકિટ આપી છે.
થાણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ ગણાતી થાણે લોકસભાની બેઠક પર 23.70 લાખ મતદાર છે, જ્યારે 2019માં અહીંની બેઠક પરથી રાજન વિચારે જીત્યા હતા. આ વખતની ચૂંટણીમાં રાજન વિચારે (ઉદ્ધવ ઠાકરે શિવસેના)ની સામે એકનાથ શિંદેના ઉમેદવાર નરેશ ગણપત મ્હસ્કે છે. 2019માં રાજન વિચારને 7.40 લાખ મત મળ્યા હતા, જ્યારે એનસીપીના પ્રકાશ પરાંજપેને હરાવ્યા હતા.
કલ્યાણ-ડોંબિવલી અને ભિવંડીઃ કલ્યાણ-ડોંબિવલી લોકસભાની સીટની વાત કરીએ તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદે 2014-2019માં વિજેતા થયા પછી 2024માં પણ શિવસેનાની બેઠક પરથી ઉમેદવાર છે. 2019માં 8.90 લાખ મતદાર ધરાવતી અહીંની બેઠક 63 ટકા મતદાન થયું હતું. 10 લાખથી વધુ મતદાર ધરાવતી ભિવંડી લોકસભાની બેઠક પર 53.2 ટકા મતદાન થયું હતું. ભિવંડીમાં શરદચંદ્ર પવારની એનસીપીએ સુરેશ ગોપીનાથ મ્હાત્રેની ટિકિટ આપી છે, જ્યારે તેની સામે ભારતીય જનતા પાર્ટીના કપિલ પાટીલ છે.
