February 10, 2026
મહારાષ્ટ્રમુંબઈ

મતદાનના દિવસે પણ મુંબઈગરાને ગરમીથી નહીં મળે છૂટકારો, જાણો IMDની આગાહી!

Spread the love

મુંબઈ: મુંબઈગરા હાલમાં પારાવાર ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે સોમવારે મતદાનના દિવસે પણ એમને કોઈ રાહત મળતી દેખાઈ નથી રહી. મુંબઈમાં સોમવારે પણ તાપમાન 33થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે એવી આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ગુરુવારે કોલાબામાં ઉષ્ણતામાન 35 ડિગ્રી જેટલું હતું અને શુક્રવારે મુંબઈમાં તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે સાંતાક્રુઝ ખાતે 0.1 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મતદાનના દિવસે મુંબઈમાં ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસથી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળશે.
જોકે આ બધામાં રાહત આપતા સમાચાર એ છે કે આવનારા કેટલાક દિવસોમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ઉષ્ણતામાનમાં વધારો તો નહીં જોવા મળે પણ એની સાથે સાથે જ નાગરિકોને ઉકળાટ તેમ જ ગરમીમાંથી પણ બિલકુલ રાહત મળતી નથી દેખાઈ રહી.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી મુંબઈમાં હવામાન સૂકું રહેશે જેને કારણે સૂર્યના કિરણો સીધા ધરતી પર પડશે એટલે વધુ તાપ લાગી શકે છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર જિલ્લામાં પણ સોમવારે હવામાન શુષ્ક રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે સોમવારે લોકસભાની ચૂંટણીનું પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે મુંબઈ, ધૂળે, ડિંડોરી, નાશિક સહિતની બેઠકો પર મતદાન થશે. વધતી જતી ગરમીની અસર મતદાનની ટકાવારી પર જોવા મળી રહી છે, જેને કારણે રાજકીય પક્ષો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. રાજકીય પક્ષના કાર્યકર્તાઓ મતદાતાઓને મતદાન કરવા માટે જાગરૂક કરવાની સાથે સાથે પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!