July 9, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

બોલો, વરસાદી પૂરમાં 3,000 ગેસના સિલિન્ડર વહી ગયા, જાણો ક્યાં બન્યું?

Spread the love

HPCL બોટલિંગ પ્લાન્ટમાં પાણી ભરાતા પાતાલગંગા નદીમાં વહેતા થયા LPG સિલિન્ડર; પ્રશાસને લોકોને નદીમાં ન ઉતરવા કરી અપીલ

આ વખતનું ચોમાસું આસમાની આફત લઈ આવ્યું છે, જ્યાં હજુ વરસાદ પડ્યો નથી, ત્યાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાય છે, પણ જ્યાં વરસી રહ્યા છે, ત્યાં આફત લઈ આવ્યો છે. કલાકોમાં ચાર-પાંચ ઈંચ વરસાદ પડવાથી અનેક વિસ્તારો જળબંબાકાર બને છે. સુરત હોય કે નવસારી કે પછી મુંબઈ પણ હવે પાટનગર દિલ્હી પણ બાકાત નથી, પરંતુ હવામાનમાં મોટો પલટો. આખો જૂન મહિનો કોરો ગયા પછી હવે મેઘરાજા જોરદાર બેટિંગ કરે છે, જે કંઈ પણ હોય હજુ વૈજ્ઞાનિકો કહે છે આ બધુ અસાધારણ અલ નીનોને કારણે છે. પર્યાવરણશાસ્ત્રીઓ કહે છે પર્યાવરણનું નિકંદન કરવાને કારણે છે, પણ મહારાષ્ટ્રના રાયગઢમાં એવી ઘટના બની કે લોકોને દંગ રાખી દીધા હતા. ગેસના પ્લાન્ટમાં પૂરના પાણી ઘૂસી જતા ગેસના સિલિન્ડર પેપરની બોટ માફક વહ્યા હતા અને એ પણ પાંચ-દસ પચીસ નહોતા, પૂરા હજારો હતા.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ વચ્ચે ચોંકાવનારી ઘટના ઘટી હતી. પાતાલગંગા નદીમાં લગભગ 3,000થી વધુ સિલિન્ડર વરસાદી પાણીમાં વહી ગયા હતા. નદીમાં વહેતા એલપીજીના સિલિન્ડર જોઈને લોકોને આશ્ચર્ય થયું હતું. પનવેલ તાલુકાના ચાવણેસ્થિત એચપીસીએલના પાતાલગંગા એલપીજી બોટલિંગ પ્લાન્ટ પરિસરમાં ભારે વરસાદને કારણે મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડર પ્લાસ્ટિકની બોટલના માફક વહી ગયા હતા, જે ખાલી હતી, જ્યારે અમુક ભરેલા પણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ બનાવ પછી જિલ્લા પ્રશાસન અને ગેસ એજન્સી એલર્ટ થઈ હતી. જિલ્લા અધિકારી કિશન જાવલેએ નાગરિકોને અપીલ કરી હતી કે નદીમાં નહીં ઉતરાવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, ગેસના સિલિન્ડર લેવા માટે નદીમાં નહીં ઉતરવાની અપીલ કરી હતી, કારણ કે એ બાબત જીવલેણ પણ બની શકે છે. પ્રશાસને લોકોને એ પણ અપીલ કરી છે કે જો ગેસના સિલિન્ડર બીજે ક્યાંય જોવા મળે તો તાત્કાલિક લોકોએ જાણ કરવી.

અહીં એ જણાવવાનું કે ગેસના સિલિન્ડર પ્લાસ્ટિકની બોટલના માફક વહેતા જોઈને સૌને આશ્ચર્ય થયું હતું કે લોકોએ લખ્યું હતું કે બસ હવે આ પણ જોવાનું બાકી હતું. પુણે-રાયગઢ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે, તેમાંય વળી આ પ્રકારની ઘટનાને કારણે સરકારી એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે તથા અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ કરવાનો પણ અનુરોધ કર્યો છે. ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ સહિત અન્ય સામાજિક સંસ્થાઓને પણ મદદ માટે તત્પર રહેવાનો અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!