ગુજરાતમાં ‘આફતકાળ’: આગામી 48 કલાક અગ્નિપરીક્ષા, રેડ એલર્ટ જારી
સરદાર સરોવર ડેમ 87 ટકા ભરાયો, જિલ્લા પ્રશાસનને ખડેપગે રહેવાનો સરકારનો આદેશ
ગાંધીનગર: ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ત્રણેક દિવસથી ભારે વરસાદને પગલે રસ્તાઓ નદીઓમાં પલટાયા છે, ત્યારે આગામી 48 કલાક માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે. રાજ્યના મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે, જ્યારે નદીઓ-નાળામાં ઓવરફ્લો થવાથી પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. નીચાણવાળા વિસ્તારો ટાપુમાં ફેરાવાયા છે ત્યારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 11,000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
આણંદમાં વધુ મોત, નવસારીમાં વધુ લોકોને ખસેડ્યાં
વરસાદ સંબંધિત વિવિધ બનાવમાં પંદર લોકોના મોત થયા છે, જેમાં આણંદમાં સૌથી વધુ (છ) લોકો શિકાર બન્યા છે. એના સિવાય ગાંધીનગર, મોરબી, ખેડા, મહીસાગર અને અમદાવાદનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણ દિવસમાં 11,043 લોકોને ખસેડ્યા છે, જેમાં સૌથી વધુ નવસારી, વલસાડ, આણંદ, બરોડાનો લોકોનો સમાવેશ થાય છે.
કચ્છ, સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકામાં મોસમ બદલાતા ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એના માટે રેડ એલર્ટ જારી કર્યું છે, તેમાંય ખાસ કરીને અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે. ઉપરાંત, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને પગલે મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પર અસર પડી છે. જાનમાલના નુકસાન સાથે જાહેર ધોરીમાર્ગો પર અસર પડી છે. નદી નાળામાં પૂરને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે, જ્યારે વધુ વરસાદ પડે તો વિનાશ સર્જાય શકે છે. મેઘમહેર વચ્ચે પણ રાજ્યના મહત્વના જળાશયોમાં મહતમ પાણી ભરાયું છે.
વહીવટી અઘિકારીઓને આપ્યા આદેશ
ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે આગામી દિવસોમાં હજુ વરસાદ પડશે. બીજી બાજુ ગુજરાત સરકારે વહીવટી અઘિકારીઓને ખડેપગે રહેવાની તાકીદ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું. રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટા ભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

76 જળાશય 100 ટકાથી વધુ છલકાયા
વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
સરદાર સરોવર ડેમ 87 ટકા સ્ટોક
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,90,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયમાં 4.07 લાખ એમ. સી. એફ. ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની આવક રહી છે.
ઉકાઈ ડેમમાં અઢી લાખ પાણીની આવક
ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46 લાખની જાવક, આજી-4માં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.63 લાખની જાવક, કડાણામાં 1.15 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.25 લાખની જાવક તેમજ ઉંડ-૧માં 1.19 ક્યુસેક પાણીની આવક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ સિવાય વિવિધ 94 જળાશયમાં 70,000 ક્યુસેકથી 1,000 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.
મધ્ય ગુજરાતમાં 87 ટકા સ્ટોક
સતત વરસાદને કારણે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141માં 66 ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સાથે 207 જળાશયમાં અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.
