સમય કરતાં પણ કિંમતી છે આ ઘડિયાળ, કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોંશ

સમય કિંમતી છે એ વાત આપણે સૌ જાણીએ છીએ, પણ જ્યારે આ સમય બતાવતી ઘડિયાળની કિંમત કરોડોમાં હોય ત્યારે તે માત્ર સમય જોવાનું સાધન નથી રહેતી, પણ લક્ઝરી અને સ્ટાન્ડર્ડ્સ શો કરવાનું માધ્યમ બની જાય છે. વિશ્વમાં કેટલીક એવી કિંમતી ઘડિયાળો છે કે જેની કિંમત સાંભળીને જ ભલભલાને પરસેવો છૂટી જાય.
દુનિયામાં અનેક એવી ઘડિયાળની લક્ઝુરિયસ બ્રાન્ડ્સ છે કે જેમના ઘડિયાળની કિંમત લાખો રૂપિયામાં હોય છે. પરંતુ ગ્રાફ ડાયમંડ્સ (Graff Diamonds) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘હેલુસિનેશન’ (Hallucination) ઘડિયાળ તો અજાયબી સમાન છે. આ ઘડિયાળની કિંમત એટલી છે કે તેમાં વિશ્વની સેંકડો લક્ઝરી કાર અને બંગલાઓ ખરીદી શકાય છે. ચાલો એક નજર કરીએ આ મોંઘી ઘડિયાળો અને તેની કિંમત પર…
૧૧૦ કેરેટના કિંમતી નંગ
આ ઘડિયાળ મોંઘી હોવાનું મુખ્ય કારણ તેમાં જડેલા હીરા છે. હેલુસિનેશનમાં અલગ-અલગ રંગ અને કટ્સના ૧૧૦ કેરેટના દુર્લભ હીરા લગાવવામાં આવ્યા છે. આ હીરાઓમાં ફેન્સી વિવિડ યલો, ફેન્સી ઇન્ટેન્સ પિંક, ફેન્સી ઇન્ટેન્સ બ્લુ અને ફેન્સી ઓરેન્જ જેવા રંગોનો સમાવેશ થાય છે. આ હીરાઓને કુશળ કારીગરો દ્વારા એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે તે જોનારને મંત્રમુગ્ધ કરી દે છે.
પ્લેટિનમ બ્રેસલેટ અને રેઈન્બો ડિઝાઈન
ઘડિયાળના બેલ્ટ એટલે કે બ્રેસલેટમાં પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લેટિનમ બ્રેસલેટ પર હીરાઓને એવી રીતે જડવામાં આવ્યા છે કે તે આખું રેઈન્બો (મેઘધનુષ) જેવો આભાસ આપે છે. આથી જ હાઈ-ફેશન વર્લ્ડમાં આ ઘડિયાળને માસ્ટરપીસ માનવામાં આવે છે.
ક્વાર્ટ્ઝ ડાયલ
આશ્ચર્યની વાત એ છે કે આટલી મોંઘી ઘડિયાળમાં સમય બતાવતું ‘ડાયલ’ અત્યંત નાનું છે. આ ક્વાર્ટ્ઝ ડાયલ છે, જેની આસપાસ પણ નાના ગુલાબી રંગના ડાયમંડ્સ લગાવેલા છે. હીરાની ચમકમાં ડાયલ લગભગ છુપાયેલું લાગે છે, જે તેને એક ઘડિયાળ કરતા ઘરેણું (જ્વેલરી) વધુ બનાવે છે.
આસમાને પહોંચતી કિંમત
જો આ ઘડિયાળની કિંમતની વાત કરીએ તો તે અંદાજે ૫.૫ કરોડ ડોલર (આશરે રૂપિયા ૪૫૦ કરોડથી વધુ) હોવાનું કહેવાય છે. જેકબ એન્ડ કંપની અને ગ્રાફ ડાયમંડ્સ જેવી મોટી બ્રાન્ડ્સ વચ્ચે જ્યારે સૌથી મોંઘી ઘડિયાળની વાત આવે ત્યારે ‘હેલુસિનેશન’ હંમેશા ટોપ પર રહે છે.
