ગજબઃ મહિલાએ એકસાથે પાંચ બાળકીને આપ્યો જન્મ
બિહારના કિશનગંજ ખાતે એક મહિલાએ એકસાથે પાંચ બાળકીને જન્મ આપ્યો હતો. આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયા હતા. પાંચમી મેના રવિવારના રોજ કિશનગંજ ખાતે એક મહિલાએ પાંચ બાળકીને જન્મ આપ્યાના અહેવાલ વાયુવેગે ફેલાઈ ગયા હતા, જ્યારે અનેક લોકોએ તેના અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
આજના યુગમાં લોકો દીકરીને ઈચ્છતા નથી, ત્યારે એકસાથે પાંચ દીકરીના જન્મને લઈને લોકોમાં આશ્ચર્ય થયું હતું. ચાલો મૂળ કિસ્સો ક્યાંનો છે એ પણ જાણી લઈએ. બિહારના કિશનગંજ જિલ્લાની કનકપુર પંચાયતના જાલ મિલિક ગામની રહેવાસી છે, જ્યારે પરિવારમાં મહિલાને એક દીકરો પણ છે.
મળતા અહેવાલ પ્રમાણે તાહેરા બેગમ નામની 27 વર્ષની મહિલા પ્રસવ પીડા ઉપડ્યા પછી કિશનગંજ નજીકના ઈસ્લામપુરના નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી, જેનો વિસ્તાર બંગાળમાં પડે છે. ડિલિવરી વખતે મહિલાને પાંચ બાળકીને જન્મ આપ્યો હતો. એક પછી એક પાંચ બાળકીને જન્મ આપવાને કારણે ડોક્ટર સહિત તેના સ્ટાફને આશ્ચર્ય થયું હતું.
પાંચ બાળકીને જન્મ આપ્યાના સમાચાર પણ વાયુવેગે ફેલાયા પછી લોકો દૂરથી પણ તેમને જોવા માટે આવતા હતા. સમગ્ર જિલ્લામાં આ મહિલા લાઈમલાઈટમાં આવી ગઈ હતી. જન્મેલી પાંચેય બાળકી સાથે તેની માતા પણ એકદમ સ્વસ્થ છે.
પાંચ બાળકીના જન્મને કારણે પરિવારમાં ખુશાલીનો માહોલ છવાયો હતો. આ સમાચાર અંગે પાંચ દીકરીના પિતાએ કહ્યું હતું કે આ તો ખુશીની વાત છે. આ તો ઉપરવાલાએ ભેટ આપી છે. દીકરીઓ તો ઘરની રૌનક હોય છે, જ્યારે તેમના જન્મથી આખો પરિવાર ખુશખુશાલ છે.
આ બનાવ અંગે મહિલા ડોક્ટરે કહ્યું હતું કે આ પાંચેય બાળકી અને તેની માતા એકદમ સ્વસ્થ છે. જોકે, પાંચેય બાળકીનું વજન ઓછું છે. પાંચેયનું સરેરાશ વજન 750 ગ્રામથી 800 ગ્રામ સુધી છે, જેને કારણે તેમને એનઆઈસીયુમાં રાખવામાં આવી છે.
એકસાથે પાંચ બાળકને જન્મ આપવાની બાબત બહુ રેર હોય છે. આ અગાઉ ઝારખંડમાં મે, 2023માં એક મહિલાએ પાંચ બાળકને એકસાથે જન્મ આપ્યો હતો. સંશોધકોના દાવા અનુસાર આ ઘટના બહુ રેર હોય છે. લાખો કેસમાં વર્ષે માંડ એકાદ કિસ્સામાં આ પ્રકારે મહિલા પાંચેક બાળકને જન્મ આપે છે.