સાવધાન, 2025ના ઉનાળાને લઈને ઉચ્ચારાઈ એવી ચેતવણી કે…
2025નું વર્ષ હજી તો માંડ શરૂ થયું છે અને ડિસેમ્બરમાં દેશવાસીઓ તેમ જ મુંબઈગરાઓએ અનુભવેલી સુંદર ફૂલ ગુલાબી ઠંડી પણ જાણે જૂના વર્ષની સાથે વિદાય લઈ ગઈ હોય એમ વાતાવરણમાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. દરમિયાન 2025ના ઉનાળાને લઈને અત્યારથી જ એવી કાળવાણી ઉચ્ચારવામાં આવી છે કે જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. વૈશ્વિક મોસમ વિજ્ઞાન સંગઠન (World Meteorological Organization – WMO) દ્વારા ઉચ્ચારવામાં આવેલી ચેતવણીમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ વર્ષનો ઉનાળો ખૂબ આકરો હશે. ચાલો જોઈએ શું બીજું શું કહ્યું છે આ સંગઠને.
ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં વધારો
WMO દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે 2025નું વર્ષ દુનિયાના સૌથી ગરમ એવા ત્રણ વર્ષમાંથી એક બની શકે છે. આવું થવાના કારણ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં વિક્રમી વધારો જોવા મળી રહ્યો છે. 2023, 2024 બાદ હવે 2025માં પણ ગરમી તેના વિક્રમો તોડશે. આ વર્ષની ગરમી જોઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે.
સુરક્ષિત માર્ગે જવાનો સમય પાક્યો છે
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પણ લોકોને આવનારા ઉનાળાને લઈને ચેતવણી આપતા સાવધાન રહેવાની ભલામણ કરી છે. ગુટેરેસે એવું પણ જણાવ્યું હતું કે આપણે આ મુશ્કેલીમાંથી બહાર આવવાના રસ્તાઓ વિશે વિચારવું પડશે. હવે એ સમય આવી ગયો છે કે આપણે દુનિયાને એક સુરક્ષિત માર્ગે લઈ જઈએ. સામે પક્ષે WMOએ પણ આ મુસીબતનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની અપીલ પણ કરી છે. વર્લ્ડ વેધર એટ્રીન્યુશન અને કલાયમેટ ચેન્જના એક નવા રિપોર્ટ પણ આ અંગે ચેતવણી ઉચ્ચારી છે.
મહત્તમ તાપમાનમાં પણ થયો વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે 31મી ડિસેમ્બર બાદ રાજ્ય અને શહેર સાથે દેશભરમાં લોકોએ વાતાવરણમાં અચાનક પલટાનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન ખાતા દ્વારા પણ આગામી કેટલાક દિવસ સુધી દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળવાનો હોઈ રાતનું લઘુતમ તાપમાન 20 અંશ સેલ્સિયસ સુધી રહેશે એવો અંદાજો વ્યકત કર્યો છે.