RBIએ સોનું ખરીદવાનું કેમ ઘટાડ્યું, જાણો કારણો?
વધતા ભાવ અને ફોરેક્સ રિઝર્વ મેનેજમેન્ટ વચ્ચે આરબીઆઈની નવી વ્યૂહરચના
સોનાચાંદીના ભાવ રોજેરોજ નવા રેકોર્ડ બનાવે છે, જેનાથી મધ્યમ વર્ગની તો હાલત કફોડી થઈ છે. ઘરઆંગણે અવસર લઈ બેઠેલા પરિવારોની મૂઝવણમાં વધારો કર્યો છે. રોજની વાત જવા દો હવે સોનાચાંદીના ભાવ કલાકોમાં પાંચ-છ હજારની ઉથલપાથલ થઈ રહી છે, ત્યારે હવે સરકાર યાને કેન્દ્રીય બેંક પણ વધતા ભાવથી ખરીદવાનું ટાળી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રિઝર્વ બેંકના અહેવાલ મુજબ સોનાની ખરીદી છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આરબીઆઈ 2025માં ફક્ત 4.02 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે 2024માં 72.6 ટનની ખરીદી કરી હતી. વાર્ષિક સોનાની ખરીદીમાં લગભગ 94 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું કહી શકાય.
ફોરેક્સ રિઝર્વમાં પણ કર્યો છે વધારો
અધિકારીઓ કહે છે કે ભલે આરબીઆઈએ સોનાની ખરીદી કરવાનું પ્રમાણ ઘટાડ્યું હોય, પરંતુ ભારતની યાને આરબીઆઈની ગોલ્ડ રિઝર્વ આજે પણ રેકોર્ડ સપાટીએ છે. આરબીઆઈની પાસે કૂલ 880 ટન સોનું જમા છે. 2024ના અંતમાં આ આંકડો 876.18 ટન હતો, જેમાં ખરીદીના સરેરાશ રેશિયોમાં ઘટાડો થયો હોવા છતાં કૂલ હોલ્ડિંગ પણ અત્યાર સુધીની ઐતિહાસિક સપાટીએ છે. આરબીઆઈની પાસે વિદેશી હૂંડિયામણમાં સોનાની ભાગીદારી પણ અત્યાર સુધીમાં ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. નવેમ્બર 2025માં ફોરેક્સ રિઝર્વની વેલ્યુ પણ 100 અબજ ડોલરથી વધુ થઈ છે.
આરબીઆઈએ શા માટે ખરીદવાનું ઓછું કર્યું?
જો તમારા મનમાં સવાલ ઊભો થયો કે શા માટે આરબીઆઈએ સોનું ખરીદવાનું ઓછું કર્યું છે તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે કે ફોરેક્સ રિઝર્વનો હિસ્સો ઝડપથી વધારવા માટે આરબીઆઈએ ગોલ્ડની ખરીદીમાં બ્રેક મૂકી છે. વધતા ભાવ અને કૂલ રિઝર્વમાં સોનાના વધતા હિસ્સા તેમજ આરબીઆઈએ સમજી વિચારીને રિઝર્વ મેનેજમેન્ટ સમક્ષ પણ ઈશારો કર્યો છે.
511.99 મેટ્રિક ટન સોનું ભારતમાં રાખવામાં આવ્યું
આરબીઆઈના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર માર્ચ, 2021માં ભારતની ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો ફક્ત 5.87 ટકા હતો, પરંતુ આગામી પાંચ વર્ષમાં આ હિસ્સો વધીને 16 ટકા સુધી પહોંચ્યો છે. મતબલ આરબીઆઈ ધીમે ધીમે પોતાની ફોરેક્સ રિઝર્વમાં પણ વધારો કરી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આરબીઆઈની પાસે કૂલ 879.59 મેટ્રિક ટન સોનું હતું, જેમાંથી 511.99 મેટ્રિક ટન સોનું ભારતમાં રાખવામાં આવ્યું છે, જ્યારે 348.62 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ (બીઆઈએસ) પાસે સુરક્ષિત કસ્ટડીમાં છે. એના સિવાય 18.98 મેટ્રિક ટન સોનું ગોલ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યું છે.
ફોરેક્સ રિઝર્વમાં ગોલ્ડની સાથે ડોલરની ભાગીદારી મહત્ત્વની
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર 2022માં સેન્ટ્રલ બેંકોએ સોનાની ખરીદી 1,082 ટન, 2023માં 1037 ટન, 2024માં 1,180 ટન અને 2025માં 1,000 ટનથી ઉપર જવાની અપેક્ષા છે. સેન્ટ્રલ બેંકો ફોરેક્સ રિઝર્વમાં 20 ટકા ભાગીદારી સાથે સોનું, ડોલર પછી સૌથી મહત્ત્વની એસેટ્સ છે. ડોલરની ભાગીદારી લગભગ 46 ટકા છે, જ્યારે યુરો 16 ટકાએ રહ્યો છે.
