કબ હૈ હોલી?: હોળીની ઉજવણી રંગથી કેમ કરાય છે?
હોળીની વાત આવે ત્યારે હિન્દી સિનેમા જગતની જાણીતી ફિલ્મ શોલેની અચૂક નોંધ કરવી પડે. ફિલ્મમાં જોવા મળતી અલ્લડ-નટખટ અભિનેત્રી જયા બચ્ચનની હોળી રમતા ડાયલોગ પણ આજે લોકજીભે વણાયેલા છે. બીજી બાજુ ગબ્બરનો ડાયલોગ પણ સૌને અચૂક યાદ આવે અને લોકો પૂછી પણ લેતા હોય છે કબ હૈ હોલી. ખૈર આવતા વર્ષની હોળીની વાત કરીએ તો 2025માં 14 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવશે, જ્યારે હોલિકા દહન 13 માર્ચના રહેશે.

સૌના મનમાં બીજો એક સવાલ પણ થતો હશે કે હોળીની ઉજવણી રંગ કેમ કરાય છે. એ સવાલનો જવાબ જાણવા માટે તેની પૌરાણિક કથા પણ જાણીએ. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ શ્યામ રંગના હતા અને રાધા શ્વેત રંગની હતી. અને ભગવાન શ્રીકૃષ્ણ હંમેશાં માતા યશોદાને ફરિયાદ કરતા રાધા ક્યું ગોરી ઔર મૈં ક્યુ કાલા.
આ ગીત તો સાંભળ્યું હશે પણ એ સંવાદ હતો કે રાધા આટલી શ્વેત અને હું શા માટે શ્યામ. એક દિવસ માતા યશોદા એનો જવાબ આપે છે એક દિવસ તું રાધાના ચહેરા પર રંગ લગાવી દે, જેથી તારી ફરિયાદ દૂર થઈ જાય. એટલે માતાના કહ્યા પ્રમાણે કૃષ્ણ પણ રાધાજીના ચહેરા પર રંગ લગાવે છે, જે દિવસે કૃષ્ણએ રાધારાણીને રંગ લગાવ્યો એ દિવસથી હોળીના તહેવારની ઉજવણી કરવાની પરંપરા શરુ થઈ હતી.

રંગોથી રમાતી હોળીનો આ તહેવાર ભગવાન કૃષ્ણ અને રાધાજીને સમર્પિત છે. એટલે રાધા અને ગોપીઓ માટે ભગવાન કૃષ્ણના દિવ્ય પ્રેમની ઉજવણી પણ કહેવાય છે. ઉત્તર પ્રદેશના વૃંદાવન અને બરસાનામાં હોળીની ભવ્ય ઉજવણી કરાય છે, જ્યારે વૃંદાવન રાધાનું જન્મસ્થળ છે. ફાગણમાં મહિનામાં હોળી અને ધુળેટી એમ બે દિવસ લોકો ઉજવણી કરે છે. હોળીનો તહેવાર આનંદ, એકતા અને પ્રેમનું પણ પ્રતિક છે. આ દિવસે લોકો તેમના જૂના મતભેદો ભૂલીને પણ સાથે મળીને આ તહેવારની ઉજવણી કરે છે.
સામાન્ય જીવનમાં પણ રંગ વ્યક્તિના જીવનને અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે. સુખ-દુખના રંગ છે, શાંતિ-સમૃદ્ધિના પણ પોત પોતાના રંગ છે. લાલ રંગ પ્રેમનો સંકેત છે, ગુલાબી સુંદરતાનો, પીળો સુખનો અને કેસરી રંગ સમૃદ્ધિનો છે. શાંતિ-ભાઈચારાનો રંગ સફેદ છે, જ્યારે વિરોધનો રંગ કાળો છે, તેથી દરેક વ્યક્તિએ આ રંગપાંચમના તહેવારની ઉજવણી કરવી જોઈએ.
ટૂંકમાં, હોળી-ધુળેટીના આ તહેવારમાં જ્યારે લોકો એકબીજાને રંગ-ગુલાલ લગાવે છે ત્યારે એક પરોક્ષ મેસેજ એ પણ છે કે હંમેશાં પોતાની ધૂનમાં રહેવું યોગ્ય નથી. ક્યારેક અન્યના રંગમાં પણ રંગાઈ જવું જોઈએ, જે તમને એક નવો અહેસાસ આપશે. અન્યના પ્રેમામાં તમને જીવન જીવવાનો પણ નવો દૃષ્ટિકોણ જોવા મળે છે.
