ગેસના સિલિન્ડર હંમેશાં ગોળ જ કેમ હોય છે? ચોરસ, લંબ ચોરસ કે ત્રિકોણ કેમ નહીં? જાણો એના રોચક કારણો
ઈરાન-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને આજે 24 દિવસ થયા અને વર્તમાન સમયમાં આખી દુનિયા હકીકતમાં ગેસ પર છે. દેશભરમાં ગેસ અને ક્રૂડ ઓઈલની અછત વર્તાઈ રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે હંમેશા ગેસ સિલિન્ડર અને ઓઈલના ટેન્કરો ગોળાકાર (Cylindrical) જ કેમ હોય છે? આ પ્રશ્ન આપણને ક્યારેક ને ક્યારેક જરૂર થયો હશે. તાજેતરમાં મધ્ય પૂર્વમાં તણાવને કારણે જ્યારે એલપીજી અને તેલના પુરવઠામાં વિક્ષેપ પડ્યો, ત્યારે આ પાયાની જરૂરિયાતની વસ્તુઓની ડિઝાઇન ફરી ચર્ચામાં આવી છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશેની માહિતી મેળવીશું.
ગેસ સિલિન્ડર કે તેલ ટેન્કરને ગોળ રાખવા પાછળ કોઈ ફેશન નહીં, પણ શુદ્ધ વિજ્ઞાન અને સુરક્ષા જવાબદાર છે. આજે આપણે આ સ્ટોરીમાં ગેસ સિલિન્ડર, ઓઈલ ટેન્કર્સ નળાકાર જ કેમ હોય છે એ પાછળના કેટલાક મહત્ત્વના વૈજ્ઞાનિક કારણો વિશે વાત કરીશું.
પ્રેશરનું સમાન ડિસ્ટ્રિબ્યુશન
જ્યારે કોઈ કન્ટેનરમાં ગેસ અથવા પ્રવાહી ભરવામાં આવે છે, ત્યારે તે અંદરની દિવાલો પર ચારેય બાજુથી ભારે દબાણ કરે છે. જો સિલિન્ડર ગોળ હોય, તો આ દબાણ આખી સપાટી પર એકસરખું ફેલાઈ જાય છે. જો તે ચોરસ હોત, તો દબાણ તેના ખૂણાઓ પર કેન્દ્રિત થાત, જેનાથી ત્યાં તિરાડ પડવાનું કે બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાત.
એક્સિડન્ટ સામે આપે છે સિક્યોરિટીની ગેરન્ટી
ટેન્કર અને સિલિન્ડરનો આકાર ગોળાકાર હોય છે એ પાછળના બીજા કારણની તો આવા ટેન્કરમાં કોઈ ધારદાર કિનારી કે ખૂણા હોતા નથી. એક્સિડન્ટ સમયે કે પછી કોઈ જગ્યાએ અથડાવાની સ્થિતિમાં, નળાકાર (Cylindrical) ટેન્કર આંચકાને વધુ અસરકારક રીતે સહન કરી શકે છે. ચોરસ આકારના કન્ટેનરની સરખામણીએ તેના ફટવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.
સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે મહત્ત્વની
ઓઈલના ટેન્કરો સતત હલન ચલન, વાઈબ્રેશન અને બહારના દબાણનો સામનો કરે છે. ગોળાકાર આકાર તેને વધુ મજબૂતી આપે છે. ઓઈલ અને સિલિન્ડરના આ ખાસ આકારને કારણે ટેન્કર પોતાનો મૂળ આકાર બદલ્યા વિના ભારે દબાણને સહન કરવા માટે સક્ષમ બની જાય છે.
ટેન્ક અને સિલિન્ડર ગોળાકાર જ કેમ હોય છે?
વાત કરીએ ઓઈલ અને ગેસના ટેન્કર કે પછી સિલિન્ડર ગોળાકાર જ કેમ હોય છે એના કારણની તો આ આકાર ટેન્કરોની સફાઈ કરવાનું ખૂબ જ સહેલું હોય છે. એમાં ખૂણા ન હોવાને કારણે ધૂળ, ગંદકી કે તેલ ક્યાંય જમા થતું નથી. આનાથી મેન્ટેનન્સનું કામ ઝડપથી અને સચોટ રીતે થઈ જાય છે.
મજબૂત ધાતુનો કરાય છે ઉપયોગ
આપણા ઘરમાં જોવા મળતાં એલપીજી ગેસ સિલિન્ડર બનાવતી વખતે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે એની વાત કરીએ તો આ ગેસ સિલિન્ડર સામાન્ય રીતે લો-કાર્બન સ્ટીલ અથવા સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જે ભારે દબાણ સહન કરી શકે છે. હવે વજનમાં હલકા અને કાટ ન લાગે તેવા ફાઈબરગ્લાસ મટીરિયલનો ઉપયોગ પણ શરૂ થયો છે, જે સુરક્ષાની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એલ્યુમિનિયમ એલોયનો ઉપયોગ
વાત કરીએ ઓઈલ અને ગેસના ટેન્કરોની ગોળ ટાંકી કઈ ધાતુનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એની તો મોટાભાગના ઓઈલ અને ગેસ ટેન્કરો એલ્યુમિનિયમ મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ વજનમાં હલકું હોય છે અને તેમાંથી સરળતાથી તણખા (Sparks) ઝરતાં નથી, જે જ્વલનશીલ પદાર્થોના પરિવહન માટે અત્યંત સુરક્ષિત છે.
