શુભ કાર્ય કરતાં પહેલાં કેમ વધેરાય છે શ્રીફળ? મોટાભાગના લોકોને નથી ખબર કારણ…
હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં નારિયેળ કે જેને આપણે શ્રીફળ તરીકે ઓળખીએ છીએ એ કેમ વધેરવામાં આવે છે. સદીઓથી આ પરંપરા ચાલી આવી છે. પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? નહીં ને? ચાલો આજે તમને આ પાછળનું કારણ જણાવીએ કે આખરે આવું કેમ થાય છે-
આપણે ત્યાં મંદિરમાં પૂજા-પાઠ હોય કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હોય કે ઘર, ગાડી કે નવી દુકાનનું ઉદ્ઘાટન હોય તમામ પ્રસંગે શ્રીફળ વધેરવાની એક પરંપરા રહી છે. શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ જ કારણ છે કે તે મોટાભાગના દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે.
શ્રીફળનો બહારનો હિસ્સો ખૂબ જ કડક હોય છે અને તેને અહંકારનો કારક માનવામાં આવે છે, જ્યારે જાતક એની બહારનું પડ તોડે છે એનો અર્થ એવો થાય છે કે જાતકે પોતાની અંદરના અંહકાર અને ક્રોધને દૂર કરીને ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યો છે. શ્રીફળની અંદરનો સફેદ ભાગ શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે. શ્રીફળ વધેરવાથી વ્યક્તિની અંદર રહેલી વિનમ્રતા દર્શાવે છે.
આ ઉપરાંત જ્યારે નારિયેળ વધેરવામાં આવે છે ત્યારે તેનું પાણી ચારે તરફ ઉડે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આને કારણે આસપાસમાં રહેલી નકારાત્મક ઊર્જા પણ નાશ પામે છે. નારિયેળ ભગવાન શ્રીગણેશજીને ખૂબ જ પ્રિય છે અને એટલે જ એવી માન્યતા છે કે શુભ કાર્ય પહેલાં નારિયેળ ફોડવામાં આવે તો કોઈ બાધા નથી આવતી.
નારિયેળ એ બલિદાનનું પ્રતિક પણ ગણાય છે. આનો અર્થ એવો થાય છે તે આપણે આપણી શ્રદ્ધા અને આસ્થાની સાથે ભગવાનને પોતાના કામની શરૂઆતનું પહેલું ફળ અર્પણ કરીએ છીએ. બસ, આ બધા કારણોસર જ કોઈ પણ શુભ કે માંગલિક કામ કરતાં પહેલાં આપણે ત્યાં શ્રીફળ વધેરવાની પરંપરા છે.
