February 20, 2026
મહારાષ્ટ્ર

લોનાવલા ખાતે મોન્સુન પિકનિક પર આવેલો આખો પરિવાર તણાયો…

Spread the love

પુણે: પુણેના લોનાવાલા નજીક આવેલા ભુશી ડેમ ખાતે મોન્સુન પિકનિક માટે ગયેલો આખો પરિવાર તણાઈ જતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અચાનક પાણીનું સ્તર વધી જતાં આખો પરિવાર તણાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આખો પરિવાર પાણીની વચ્ચોવચ્ચ ઊભેલો દેખાય છે અને સતત વધી રહેલા પાણીના સ્તરને કારણે પરિવારનું સંતુલન બગડી જાય છે અને પાણીના વહેણ સાથે વહી જાય છે.

મળી રહેલી માહિતી પ્રમાણે રેલવેના વોટર ફોલ તરીકે ઓળખાતા આ વોટરફોલમાં વહી ગયેલો પરિવારની ઓળખ અંસારી પારિવાર તરીકે કરવામાં આવી છે. વહી ગયેલા લોકોમાં નાના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણ જણના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બાકીના બે મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે.

સીસીટીવી ફૂટેજમાં આ પરિવાર ધસમસતા પાણીના વહેણની વચ્ચે ઊભેલો જોવા મળી રહ્યો છે. અચાનક પાણીનો વેગ વધી જાય છે અને પરિવારમાં સભ્યો તણાઈ ન જવાય એ માટે એકબીજાને ટાઈટ પકડીને ઊભા રહેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે તો બીજી બાજુ બહાર રહેલાં કેટલાક લોકો તેમને રસી ફેંકીને મદદ કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આખરે સંતુલન ગુમાવી દેતા પાંચેય જણા તણાઈ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે.

બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ભૂશી ડેમમાં ભરપુર પાણી છે. ભુશી ડેમએ મોનસુનમાં લોકપ્રિય ડેસ્ટીનેશનમાંથી એક છે અને અનેક લોકો દ્વારા આવા બિનજરુરી સાહસો કરવામાં આવે છે જેને કારણે ચોમાસામાં અનેક વખત ચોમાસા દરમિયાન આવા અનિચ્છનીય બનાવો બનતા જ રહે છે.

અહીં એ જણાવવાનું કે ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલઘર જિલ્લામાં પ્રશાસન દ્વારા પિકનિક સ્પોટ પર લોકોની અવરજવરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં સુરક્ષાનું કારણ જવાબદાર છે. 2017થી 2022 સુધીમાં લોનવલા જિલ્લામાં કુલ 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી એકલા ભુસી ડેમમાં 29 જેટલા પ્રવાસી મોતને ભેટ્યા હતા. દર વર્ષે ચોમાસામાં આ પ્રકારના અકસ્માતો બનતા હોય છે, જેમાં આ વર્ષે પહેલા જ અકસ્માતમાં એક આખો પરિવાર ભોગ બન્યો છે. તકેદારીના ભાગરુપે પ્રશાસન પણ લોકોને કોઈ પણ પ્રકારના સાહસો નહીં ખેડવાની પણ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!