આ છે દુનિયાનો સૌથી લાંબો રસ્તો, બસ ચલતે હી જાના…
ફરવાના શોખીન લોકો માટે કદાચ દુનિયા નાની પડે. કોઈ ટાપુ હોય કે પછી શહેર કે આખે આખો દેશ કેમ ના હોય. વાત ફરવાની પણ એવા રસ્તાની કે તમે ક્યારેય એની કલ્પના કરી નહીં હોય. દુનિયાના સૌથી લાંબા રસ્તાની વાત કરીએ. વિશ્વમાં સૌથી લાંબો રસ્તો પાંચ-પચીસ કિલોમીટર નહીં પણ હજારો કિલોમીટરનો છે, જેને પાર કરવામાં દિવસો નહીં મહિના લાગે. આ રસ્તાની વાતો જાણીને તમારા જ્ઞાનમાં પણ વધારો થશે કે દુનિયાનો સૌથી લાંબો રસ્તો દક્ષિણ આફ્રિકાથી રશિયા પહોંચી શકો છો. કુલ કિલોમીટર 22,387 તથા 13,911 માઈલનો રસ્તો છે.
એર યા બોટ મારફત ટ્રાવેલ કરવાના આદિ હો કે શોખ ધરાવતા હોય તો તમારા માટે આ રોડ ટ્રિપના ન્યૂઝ નકામા છે. પણ જો તમે રોડ માર્ગે ટ્રાવેલ કરવાની હોબી ધરાવતા હોય તો તમારા માટે આ એડવેન્ચર ટ્રિપથી ઓછી નથી, કારણ કે એક છેડાથી બીજા છેડે પહોંચવામાં લગભગ દોઢ વર્ષ લાગે છે. બોલો, વાંચીને આશ્ચર્ય થયું કે નહીં. તો હજુ ચાલો થોડી વિગતે વાત કરીએ. કેપ ટાઉન (દક્ષિણ આફ્રિકા)થી મગાદાન (પૂર્વ રશિયા) સુધીનો સૌથી લાંબો રસ્તો છે, જે તમે પગપાળા પણ જઈ શકો છો. હજારો કિલોમીટરનું અંતર તમે પગપાળા કાપી શકો છો. અહીં તમને લાંબા રસ્તા, લાંબા પુલ અને એની આસપાસની દુનિયા તમને જોવા મળી શકે છે.
દક્ષિણ આફ્રિકાથી રશિયા પસાર કરતી વખતે તમને યુદ્ધગ્રસ્ત રાષ્ટ્ર સિરિયા અને સુદાનમાંથી પસાર થવાની નોબત આવી શકે છે, જ્યારે ત્યાંથી પસાર થવા માટે તમારે વિઝા પણ જરુરી રહે છે. સહરાનું રણ હોય કે પછી સાયબિરિયાની હાડ થિજાવી નાખનારી ઠંડીનો પણ સામનો કરવો પડી શકે છે.
17 દેશના હજારો પહાડો, રણ, નદી-દરિયાને પણ પસાર કરવાની રહે છે. જો તમે કુદરતી સૌંદર્યને પણ માણવા કે ફોટોગ્રાફીનો શોખ ધરાવતા હો તો પણ તમે એની મજા માણી શકો છો. આમ છતાં વચ્ચે તમે તમારો ટ્રાવેલ ઘટાડવા માગતા હો તો અમુક કિલોમીટર માટે બ્લેક સીમાંથી બોટ મારફત પણ ટ્રાવેલ કરી શકો છો.
એક છેડાથી બીજા છેડાનું ડિસ્ટન્સ 22,387 કિલોમીટર છે, જે ટ્રાવેલ કરવામાં તમારા લગભગ 4,492 કલાકનો સમય લાગે છે. જો તમે એક છેડેથી પગપાળા ચાલવાનું શરુ કરો તો તમને લગભગ 187 દિવસનો સમય લાગે. સમજો દિવસના આઠ કલાક પગપાળા ચાલો તો તમને 561 દિવસ લાગી શકે છે. 22,000થી વધુ કિલોમીટરનું અંતર કાપતી વખતે તમે 17 દેશને પસાર કરો છો તેમ જ છ ટાઈમ ઝોનમાંથી પસાર થાઓ છો. એટલું જ નહીં, 17 દેશમાંથી પસાર થતી વખતે તમને દરેક સિઝનનો પણ અનુભવ કરી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ કે તમે આટલા દિવસો સુધી તમારું શરીર તમારો સાથ આપી એના માટે માનસિક સંતુલન અને શક્તિ પણ જરુરી રહે છે.