Hot Seat Shinde Vs Dighe: કોપરી પાચપાખાડીમાં ફરી શિંદેનો જાદુ ચાલશે કે નહીં?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના હવે માંડ દસ દિવસ બાકી રહ્યા છે, ત્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સાથે મહાયુતિ (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર)એ બાંયો ચઢાવી દીધી છે. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને એકનાથ શિંદેએ સત્તા મેળવીને કિંગમેકર સાબિત થયા, પણ આ વખતની ચૂંટણી એકનાથ શિંદે માટે કોપરી પાચપાખાડીની સીટ પર જીત મેળવવાનો મુદ્દો વધુ ચર્ચામાં રહેશે. રાજ્યની સૌથી ચર્ચામાં રહેનારી કોપરી પાચપાખાડી સીટ પર કોનું મૂલ્ય વધારે રહ્યું છે એની વિગતવાર વાત કરીએ.
કોપરીમાંથી શિંદે પાંચ વખત જીત્યા
આ વખતની ચૂંટણી સૌથી વધુ રસપ્રદ છે, કારણ કે આ ચૂંટણીમાં સીધો જંગ એનસીપી વિરુદ્ધ એનસીપી અને શિવસેના વિરુદ્ધ શિવસેનાનો છે. બે શિવસેના બન્યા પછી ઉદ્ધવ ઠાકરેએ મજબૂરીના માર્યા શિવસેના (એકનાથ શિંદે)ના ઉમેદવારો સામે પોતાના ઉમેદવાર ઊતાર્યા છે. સૌથી મોટી વાત એ છે કે એકનાથ શિંદેની સામે ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવાર ઉતાર્યો છે. અહીંની સીટ પરથી એકનાથ શિંદે પાંચ વખત જીત મેળવીને ઉમેદવારી નોંધાવી છે, ત્યારે છઠ્ઠી વખત જીત માટે પોતાના જ ગુરુના ભત્રીજા કેદાર દિઘેનો ઉતાર્યા છે.
1985થી 1999 સુધી ભાજપનું રાજ રહ્યું
કોપરી પાચપાખાડીની ચૂંટણીનો ઇતિહાસ જોવામાં આવે તો 1978થી 1980 સુધી કોંગ્રેસના હાથમાં સીટ હતી, ત્યાર બાદ 1985થી 1999 સુધી ભારતીય જનતા પાર્ટીએ સીટ પર રાજ કર્યું હતું. જોકે,એના પછી અહીંની સીટ પર 2009થી 2019 સુધી શિવસેનાનો દબદબો રહ્યો હતો. 2004થી એકનાથ શિંદે થાણેની સીટ પરથી વિધાનસભ્ય બન્યા હતા, એના પછી 2009માં કોપરી પાચપાખાડી સીટ બનાવવામાં આવી ત્યારથી એકનાથ શિંદે જીતતા આવ્યા છે.
2019માં એકનાથ શિંદે મોટા માર્જિનથી જીત્યા હતા
2019માં એકનાથ શિંદે 89,300 મતના માર્જિનથી જીત્યા હતા, જ્યારે અહીંના મતવિસ્તારમાં કોપરી ગામ, વાગલે એસ્ટેટ, ધ્યાનેશ્વર નગર, ઈન્દિરા નગર, સાવરકર નગર, રામચંદ્રનગરનો સમાવેશ થાય છે. કેદાર દીઘે સરકારની નિષ્ફળ નીતિઓને ટાર્ગેટ કરીને પોતાની ચૂંટી કાઢવાની જનતાને અપીલ કરી છે. હવે રાજ્યમાં 20મી નવેમ્બરની ચૂંટણી પછી 23મી નવેમ્બરના પરિણામના દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.