ચારધામ યાત્રા ક્યારથી શરુ થશે, જાણો કેદારનાથ-બદ્રીનાથના કપાટ ક્યારે ખૂલશે?
દેશમાં મહાકુંભ પૂર્ણાહૂતિ ભણી છે, જ્યાં કરોડો લોકોએ ડૂબકી લગાવી ચૂક્યા છે, જ્યારે હિંદુ ધર્મના પવિત્ર યાત્રાધામ માટે હવે શ્રદ્ધાળુઓના ધસારો વધશે. તમે જો ચાર ધામની યાત્રા કરવા ઈચ્છતા હો તો જાણી લો ક્યારથી શરુ થશે મહાયાત્રા. હિંદુધર્મમાં ચાર ધામ યાત્રાને શુભ માનવામાં આવે છે, જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર જે શ્રદ્ધાળુ ચારધામની યાત્રા કરે છે તેમના પાપ ધોવાઈ જાય છે. વ્યક્તિનું જીવન પણ સુખી સંપન્ન અને સમૃદ્ધિસભર રહે છે.
આ વર્ષે ક્યારથી ખૂલશે ચાર ધામ?
આ વર્ષે ચાર ધામની યાત્રા 30 એપ્રિલ 2025થી શરુ થશે અને આ જ દિવસથી ગંગોત્રી ધામના કપાટ ખૂલશે, જ્યારે બીજી મેના કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવશે, ત્યારબાદ ચોથી મેના બદરીનાથજીના દ્વાર ખૂલશે. ઉત્તરાખંડમાં દર વર્ષે ચારધામની યાત્રા કરવા માટે લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે. ચારધામની યાત્રા છ મહિના સુધી ચાલે છે, ત્યાર બાદ તમામ મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે.
ચારેય ધામના દર્શનનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ છે
ચારધામની યાત્રા વખતે સૌથી પહેલા યમુનોત્રીના દર્શન કરવામાં આવે છે. ચારધામની યાત્રા માટે યમુનોત્રી મંદિરના દર્શન કરવાનું મહાત્મય છે. અહીં યમુનાદેવીનું મંદિર પણ આવેલું છે. યમુનોત્રી પછી ગંગોત્રીનું ધામ આવેલું છે. ગંગોત્રીના દર્શન કરવાથી શ્રદ્ધાળુના પાપ ધોવાઈ જાય છે. ગંગોત્રી યમુનોત્રી પછી કેદારનાથના દર્શન કરવાનું મહત્ત્વ છે. બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિર છે. કેદારનાથના દર્શન કરવાથી બાબા કેદારનાથની કૃપા મળે છે, ત્યારબાદ બદરીનાથ બાબાના દર્શન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર બદરીનાથના દર્શન કરવાથી ભક્તોના પાપ ધોવાઈ જાય છે. કહેવાય છે કે બાબા બદરીનાથના દર્શન કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા થાય છે.