14મી કે 15મી જાન્યુઆરીના છે મકર સંક્રાંતિ? જાણી લો સ્નાન અને દાનનો શુભ સમય…
મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે સૂર્યદેવ ધનમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકર સંક્રાંતિની ઊજવણી કરવામાં આવે છે. આ દિવસે ગંગા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ જ દિવસે સૂર્યદેવને જળ અર્પિત કર્યા બાદ ગોળ, તલ, ખિચડી અને ગરમ કપડાં વગેરેનું દાન કરવું જોઈએ.
જોકે, લોકોમાં મકર સંક્રાંતિની તારીખને લઈને કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. કોઈ 14મી જાન્યુઆરી તો કોઈ 15મી જાન્યુઆરીના મકર સંક્રાંતિનો તહેવાર છે એવું કહી રહ્યો છે. આવો જોઈએ ક્યારે છે મકર સંક્રાંતિ. હિંદુ પંચાગ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 14મી જાન્યુઆરીના મકર રાશિમાં ગોચર કરશે એટલે 14મી જાન્યુઆરીના જ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ જ દિવસે સૂર્ય મકર રાશિમાં ગોચર કરવાની સાથે સાથે પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. આ શુભ સંયોગમાં દાન-સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
આ વખતે મકર સંક્રાંતિ પર દાન-સ્નાન કરવા માટે બે શુભ મૂહુર્ત હશે. 14મી જાન્યુઆરીના સવારે 9.03 કલાકથી સાંજે 5.46 કલાક સુધી પુણ્ય કાળ રહેશે, જ્યારે મહાપુણ્ય કાળ સવારે 9.03 કલાકથી સવારે 10.48 કલાક સુધીનો રહેશે. મહાપુણ્ય કાળ 1.45 કલાકનો રહેશે અને પુણ્ય કાળ 8 કલાક 42 મિનિટ સુધીનો છે.
મહાપુણ્ય કાળમાં સ્નાન-દાન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ શુભ સમયમાં કરવામાં આવેલા દાન-સ્નાનથી પાપનો નાશ થાય છે અને જીવનમાં સુખ-શાંતિનું આગમન થાય છે. ગુજરાતમાં તો 14 અને પંદરમી જાન્યુઆરીમાં ખાસ કરીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પતંગના રસિયાઓ માટે આ પર્વનું વિશેષ મહત્ત્વ છે.
ગુજરાત સરકાર દ્વારા પણ દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિને ખીચડી તરીકે સેલિબ્રેટ કરાય છે. ખાસ કરીને પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં આ તહેવારના દિવસે ખીચડી બનાવાય છે, જ્યારે હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં મકર સંક્રાંતિ પહેલા લોહરીની ઉજવણી કરાય છે.
