વરસાદમાં વધ-ઘટ અને વીજળી પડવાના બનાવમાં વધારાની બાબત શું સૂચવે છે?
દુનિયાભરમાં ગ્રીનહાઉસ ગેસના કારણે વરસાદનું પ્રમાણ ઘટવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ બાબત માનવ જીવન માટે ખતરનાક છે. સંશોધકોએ દાવો કર્યો છે કે ગેસને કારણે પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થવાથી વીજળી પડવાની ઘટનામાં બાર ટકા વૃદ્ધિ થઈ રહ્યો છે, જે સમગ્ર માનવજીવન માટે ખતરાના સૂચક છે.
ગ્રીનહાઉસ ગેસમાં વધારો થવાથી ભૂમધ્યરેખાવાળા વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે, જેને કારણે વનસ્પતિઓમાં ફેરફાર થઈ શકે છે. પશ્ચિમી ઘાટ, પૂર્વોત્તર ભારત અને અંદામાનના જંગલો સહિત ભારતના જૈવવિવિધ ભાગોને પાનખરના જંગલો બદલવામાં આવી રહ્યા છે. પાનખર જંગલ એક અલગ પ્રકારનું જંગલ છે, જેમાં પહોળા પાંદડાવાળા વૃક્ષો હોય છે, જે ખાસ તો શિયાળાની ઋતુમાં પાંદડા ખરી જતા હોય છે.
વિજ્ઞાનજગતના એક અહેવાલ અનુસાર ગ્રીનહાઉસ ગેસ ધરતીને ગરમ કરી રહ્યા છે. વિશ્વભરમાં છેલ્લા 150 વર્ષોમાં વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓમાં થયેલા લગભગ તમામ વધારા માટે એન્થ્રોપોજેનિક (માનવી દ્વારા) પ્રવૃત્તિઓ જવાબદાર ગણાવી છે અને તેનો સૌથી મોટો સ્ત્રોત થર્મલ પાવર અને પરિવહન માટે અશ્મિભૂત ઇંધણ (સમગ્ર ગ્રહ પરનો એનર્જી માટે સૌથી મહત્ત્વપૂર્ણ સ્ત્રોત જેને ફોસિલ ફ્યુઅલ)ને બાળી નાખવાનો છે. નાસાએ પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ અને અમુક અન્ય ગ્રીનહાઉસના પ્રમાણમાં વધારો થયો હોવાનું તારણ કાઢ્યું હતું. ગ્રીનહાઉસ ગેસના વધારાને કારણે પૃથ્વી પરના વાતાવરણમાં મહત્તમ ગરમીને રોકી શકે છે અને એને કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. ગ્રીન હાઉસમાં થનારા વધારાને કારણે કુદરતી સંતુલન બગડી રહ્યું છે.
હવામાનની પેટર્નમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. ચોમાસામાં ગરમી અને ગરમીના દિવસોમાં વરસાદ પડવાનું પ્રમાણ વધી રહ્યું છે. એની અસર માનવ જીવનની સાથે પશુ-પક્ષીઓ પર પણ પડી રહી છે. દાખલા તરીકે પક્ષીઓ પ્રજનન સ્થળે ત્યારે પહોંચે છે, જ્યારે તેમની પાસે ભોજનનો બહુ ઓછો વિકલ્પ હોય. હવામાનમાં થનારા ફેરફારો હકીકતમાં પશુ-પક્ષીઓના અસ્તિત્વની સાથે તેમના પ્રજનનના પ્રયાસોને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ગ્રીનહાઉસની અસરો પણ એક કુદરતી ઘટના છે, જે પૃથ્વી પરના લોકો માટે ફાયદાકારક છે. જોકે, ગ્લોબલ વોર્મિંગ, પશુધન, વાહનો અને અન્ય બાબત વૈશ્વિક તાપમાનમાં વધારા માટે કારણભૂત છે.
વૈજ્ઞાનિકોએ સૌથી મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે વીજળી પડવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ધરતીનું તાપમાન નિરંતર વધી રહ્યું છે અને તાપમાનમાં એક ડિગ્રીનો વધારો પણ વીજળી પડવાની ઘટનામાં બાર ટકા વધારો કરે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદમાં વધારો થવાની સાથે વીજળી પડવાનું જોખમ વધ્યું છે. ભારતમાં આ જ વર્ષે વીજળી પડવાની ઘટનામાં વધારો થયો છે, જ્યારે તેને કારણે અનેક લોકો મોત થયા છે. ટૂંકમાં, ગ્રીનહાઉસ ગેસના વધારા સાથે ગ્લોબલ વોર્મિંગની ચેતવણીઓ માનવજાત જ નહીં, સમગ્ર પૃથ્વી માટે સંકટસમાન છે.