આગામી ત્રણ દિવસ છત્રી, રેઈનકોટ લઈને જ બહાર નીકળજો…
મુંબઈ: મહારાષ્ટ્રમાં મોન્સુન સક્રિય થઈ ગયું છે અને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. પુણેમાં પણ રવિવાર સાંજે અનેક ઠેકાણે મુશળધાર વરસાદ પડયો હતો. હવે હવામાન ખાતા (Weather Department) દ્વારા મરાઠવાડાના કેટલાક વિસ્તારને બાદ કરતાં આખા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ (Heavy Rain With Storm) પડવાની આગાહી કરી છે.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 25મી જૂનથી 27 જૂન વચ્ચે મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આઈએમડી (IMD) દ્વારા રાયગઢ, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સાતારા, રત્નાગીરી, અકોલા, અમરાવતી, બુલઢાણા, ગઢચિરોલી જિલ્હામાં મુશળધાર વરસાદ પાડવાની હોઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન મુંબઈ, થાણે અને પાલઘર સહિતના વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નૈઋત્યના મૌસમી પવન આ વખતે છઠ્ઠી જૂનના જ મહારાષ્ટ્રના કોંકણમાં દાખલ થયું હતું અને ત્યાર બાદ 8મી જૂનના પુણે અને 9મી જૂનના મુંબઈ, થાણે અને પાલઘરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. પરંતુ મોન્સુનનો વેગ મંદ પડતા મુંબઈગરાને ઉકળાટમાંથી રાહત નહોતી મળી. પરંતુ હવે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આ આગાહીને પગલે નાગરિકોને ટૂંક સમયમાં જ ગરમીમાંથી રાહત મળે એવી શકયતા છે.
હવામાન ખાતા દ્વારા મંગળવારથી જ મુંબઈ, થાણે અને પાલઘર વિસ્તારમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28મી જૂન વચ્ચે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ વખતે આખા દેશમાં સરાસરી કરતાં વધારે વરસાદ પડવાનો અંદાજો પણ IMD દ્વારા આપવામાં આવ્યો છે. કેરળમાં પણ આ વખતે મોન્સુન વહેલું દાખલ થયું હતું. પરંતુ મહારાષ્ટ્ર અને મુંબઈમાં મોન્સુનનું ખાસ કંઈ જોર નથી દેખાઈ રહ્યું.
