જમૈકામાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ વખતે હિંસા ફેલાઈઃ પાંચના મોતથી ચાહકો આઘાતમાં…
ભારતમાં ક્રિકેટ માટે ચાહકો ક્રેઝી જોવા મળે છે, જ્યારે દુનિયામાં વિવિધ રમતોમાં ફૂટબોલનું લોકોમાં વિશેષ વળગણ છે. અમુક દેશમાં ફૂટબોલની મેચ વખતે લોહિયાળ ખેલ રમાયો હોવાના ઈતિહાસ છે, પરંતુ તાજેતરમાં એક ફ્રેન્ડશિપ ફૂટબોલ મેચમાં હૃદયદ્રાવક કિસ્સો બન્યો, તેનાથી દુનિયાભરનું ફૂટબોલ જગત સ્તબ્ધ થઈ ગયું. જમૈકામાં એક ફ્રેન્ડશિપ ફૂટબોલ મેચ વખતે દુખદ ઘટના બની. ફૂટબોલની મેચ વખતે ફાયરિંગમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જાણીતા વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રીસ ગેઈલે સોશિયલ મીડિયા પર સમાચાર આપીને દુખ વ્યક્ત કર્યું હતું.
કિંગસ્ટનના રોકફોર્ટ છે કુખ્યાત
જમૈકાની કિંગસ્ટનના રોકફોર્ટ સ્થિત પ્લીઝન્ટ હાઈટ્સની એક ફ્રેન્ડલી ફૂટબોલ મેચ વખતે બનાવ બન્યો. મેચ વખતે પોત પોતાની ટીમને સમર્થન કરવાના કિસ્સામાં વિવાદ થયા પછી હિંસા ફેલાઈ હોવાનું કહેવાય છે. આ હિંસા અંગે જમૈકાની કોન્સ્ટેબુલરી ફોર્સની ઈન્ફર્મેશન બ્રાન્ચ અને કોન્સ્ટેબુલરી કમ્યુનિકેશન યુનિટે આ બનાવને સમર્થન આપ્યું છે. રોકફોર્ટ સ્થિત પ્લીઝન્ટ હાઈટ્સ પહેલા વારેકા હિલ્સ નામથી જાણીતો હતો. અહીંનો ભૂતકાળ પણ લોહિયાળ-હિંસક રહ્યો છે.
48 કલાક માટે કર્ફયૂ લાદ્યો
આ બનાવ સોમવારે મોડી રાતના બન્યો હતો. જમૈકાના પાટનગર કિંગ્સ્ટનમાં એક મેચ વખતે ફાયરિંગ થયું હતું. પોલીસને ફાયરિંગના બનાવ પાછળનું કારણ જાણવા મળ્યું નહોતું, પરંતુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ પછી પરિસ્થિતિને કંટ્રોલમાં કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા 48 કલાક માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
પોલીસને ગેંગવોરની શંકા
કિંગ્સ્ટનના પૂર્વ પોલીસ કમિશનર ટોમલી ચેમ્બર્સે કહ્યું કે ફાયરિંગ રાતના આઠ વાગ્યે થયું હતું. ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ કઈ રીતે બન્યો અંગે સ્પષ્ટ થયું નથી. ગેંગવોર છે કે એની પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ બનાવને કારણે સમગ્ર ફૂટબોલ પ્રેમીઓને આંચકો લાગ્યો છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ક્રીસ ગેલનો જન્મ જમૈકાના કિંગસ્ટનમાં થયો છે, જ્યારે ક્રિકેટની દુનિયામાં પણ ક્રીસ ગેલને કારણે જમૈકા જાણીતું બન્યું હતું.