રેમન્ડના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષે નિધનઃ દીકરાએ રસ્તા પર લાવી દીધા હતા…
શૂન્યમાંથી સર્જન કરનાર દિગ્ગજ ઉદ્યોગપતિ અને એર કોમોડોરની વિદાય: જાણો તેમની સંઘર્ષગાથા
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું શનિવારે મોડી રાતના નિધન થયું. 87 વર્ષના વિજયપત સિંઘાનિયાનું મુંબઈમાં નિધન થયું. નિધન અંગે રેમન્ડના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર એક્સ પોસ્ટ લખીને જાણકારી આપી હતી. રવિવારે મુંબઈમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે. રેમન્ડ ગ્રુપને ભારત જ નહીં, દુનિયામાં નામ જાણીતું કરવામાં વિજયપત સિંઘાનિયાએ કેટલી મહેનત કરી હતી, પણ દીકરા સાથે પ્રોપર્ટી વિવાદને કારણે રાતોરાત રોડ પર આવી ગયા હતા.
4 ઓક્ટોબર, 1938ના જન્મેલા વિજયપત સિંઘાનિયા લાંબા સમય સુધી રેમન્ડ ગ્રુપના ચેરમેન રહ્યા હતા. 1980થી 2015 સુધી ગ્રુપનું સુકાન સંભાળ્યું અને તેમના નેતૃત્વમાં કંપનીને સફળતા પણ અપાવી હતી. ગ્રુપનો બિઝનેસ પણ આસમાને પહોંચાડ્યો હતો, જેમાં કપડાના વેપારથી લઈને પરફ્યુમ સહિત અનેક સેક્ટરનો સમાવેશ થાય છે. નેવુંના દાયકામાં રેમન્ડે દુનિયામાં ડંકો વગાડ્યો હતો.
પાઈલટ સાથે એર કોમોડર પણ હતા
દિવંગત ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયા બોમ્બેના શેરિફ તરીકે પણ કામકાજ કર્યું હતું, જે તેમની સિદ્ધિ દર્શાવે છે. એવિયેશન સેક્ટરમાં પણ રસ ધરાવનારા વિજયપત સિંઘાનિયા એક પાઈલટ અને એર કમોડોર (Air Commodor or Air Cdre) તરીકે પણ તમામ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા હતા. હોટ એર બલૂનમાં પણ સૌથી વધુ ઊંચાઈ પરનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. 2005માં 21,000 મીટરથી વધુ ઊંચાઈ પર ઉડાન ભરવાની સૌથી મોટી સિદ્ધિ નોંધાવી હતી.
પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા
વિજયપત સિંઘાનિયાએ ઉદ્યોગજગતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એવિયેશન સેક્ટરમાં પોતાના કામકાજને લઈ 1994માં ભારતીય હવાઈ દળમાં ઓનરરી એર કમોડોરની પણ પદવી આપવામાં આવી હતી. એના સિવાય વિજયપત સિંઘાનિયાને વર્ષ 2006માં સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રોપર્ટવિવાદને કારણે ચર્ચામાં રહ્યા
બિઝનેસ અને વ્યક્તિગત ક્ષેત્રે તો અનેક સિદ્ધિઓ મેળવી હતી, પરંતુ તેમની સાદગી પણ લોકોને પસંદ પડતી હતી. 12,000 કરોડની નેટવર્થ ધરાવનારા વિજયપતિ સિંઘાનિયાનું ઘર મુંબઈના પોશ વિસ્તારમાં હતું. 2015 પછી એવો સમય આવ્યો દક્ષિણ મુંબઈની ગ્રાન્ડ પરાડી સોસાયટીમાં રહેવા મજબૂર બન્યા હતા.
દેશના ધનવાન ઉદ્યોગપતિઓની યાદીમાં રહેનારા વિજયપત સિંઘાનિયાએ 2015માં રેમન્ડ ગ્રુપનું સુકાન દીકરા ગૌતમ સિંઘાનિયાને આપ્યું હતું. બાપ-દીકરીના સંબંધો પ્રોપર્ટી વિવાદને કારણે વધુ વણસ્યા હતા. બધુ દીકરાને આપી દીધા પછી પણ દીકરાએ બધુ છીનવી લીધું. એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રસ્તા પર આવી ગયા પછી મારો દીકરો પણ ખુશ હતો. પોતાની સમગ્ર સંપત્તિ દીકરાને આપી દીધી એ મોટી ભૂલ હતી.
