વાઈલ્ડલાઈફ: દુનિયાએ ગુમાવી વયોવૃદ્ધ હાથણી ‘વત્સલા’, પન્ના ટાઈગર રિઝર્વને ફટકો
જંગલોની મૂક રક્ષક, પેઢીઓની મિત્ર અને મધ્ય પ્રદેશ લાગણીઓનું પ્રતીક હતી
પન્ના ટાઈગર રિઝર્વે ‘વત્સલા’ને ગુમાવી. મધ્ય પ્રદેશની સાથે દુનિયાભરના પ્રેમીઓએ પણ વસ્તલાને ગુમાવતા નિઃસાસો નાખ્યો હતો. મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ (પીટીઆર)ના ગૌરવશાળી ઈતિહાસ અને દુનિયાની સૌથી વૃદ્ધ હાથણી ‘વત્સલા’ હવે દુનિયામાં રહી નથી, પરંતુ 100 વર્ષની વત્સલાના ભવ્ય વારસાને કારણે ટાઈગર રિઝર્વ સમૃદ્ધ હતું. વત્સલા હાથણી કેટલાક સમયથી બીમાર હતી. ઓછું દેખાવવાની સમસ્યાથી પીડાઈ રહી હતી, જ્યારે લાંબી બીમારી પછી આઠમી જુલાઈના બપોરના 1.30 વાગ્યે હિનૌતા કેમ્પમાં અંતિમ શ્વાસ લીધા હતા.
લગભગ 100 વર્ષની વત્સલાને પન્ના ટાઈગર રિઝર્વમાં ‘દાદી’ અને ‘દાઈમા’થી લોકો તેને ઓળખતા હતા. સ્થાનિકો જ નહીં, પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી. વત્સલાને ગુમાવતા પન્ના ટાઈગર રિઝર્વ અને વનપ્રેમીઓએ ક્યારેય ભરપાઈ કરી શકાય નહીં એવી વાત ગણાવી હતી. સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપતી અનેક પોસ્ટે તેના મહત્ત્વ અંગે ચિતાર આપ્યો હતો. વાત કરીએ કોણ હતી વત્સલા હાથણી અને મધ્ય પ્રદેશ સાથે શું કનેક્શન હતું.

પ્રેગનન્ટ હાથણી માટે વત્સલા સુયાણીસમાન હતી
વત્સલાને પન્ના ટાઈગર રિઝર્વની ધરોહર માનવામાં આવી હતી, જેને લાંબા સમયગાળાથી અનેક પેઢીઓની સાથે સમય વીતાવ્યો હતો. 1971માં કેરળના નીલાંબુર વન વિભાગમાંથી મધ્ય પ્રદેશ લાવ્યા હતા, જે 1993થી પન્ના ટાઈગર રિઝર્વનો ભાગ હતી. વત્સલા પ્રેગનન્ટ થઈ નહોતી, પરંતુ પ્રેગનન્ટ હાથણીની દેખરેખ રાખવાની સાથે મદનિયાને સાચવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નવા બાળકોના જન્મ વખતે પણ તેના અનુભવ હમેશા મહત્ત્વપૂર્ણ માનવામાં આવતા હતા.
હાલમાં 86 વર્ષની તાઈવાનની લિન વાંગ વયોવૃદ્ધ
વત્સલાની ઉંમરને લઈ અનુમાન રાખવામાં આવે છે કે તે 100થી 105 વર્ષ હતી જેને કારણે વિશ્વની સૌથી વૃદ્ધ હાથણી હોવાનું માનતા. જન્મનો રેકોર્ડ નહીં હોવાને કારણે તેના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું નહોતું. 2007 અને 2018માં પન્ના ટાઈગર રિઝર્વના મેનેજમેન્ટે ઉંમર સંબંધમાં નીલામ્બુર ફોરેસ્ટ ડિવિઝન પાસે રેકોર્ડ માંગવા અને કાર્બન ડેટિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. આમ છતાં અત્યારે દુનિયાની સૌથી વૃદ્ધ હાથણીનો રેકોર્ડ તાઈવાનની લિન વાંગ (86 વર્ષ)ના નામે છે, જેને વત્સલાએ પાછળ રાખી હતી.

હાથીઓ માટે લેન્સ પણ મળતા નથી
હાથીઓનું સરેરાશ આયુષ્ય સામાન્ય રીતે 60થી 70 વર્ષ હોય છે, પરંતુ ક્યારેક વધારે ઉંમર જીવતા હોય છે. આમ છતાં લાંબુ આયુષ્ય પણ ક્યારેક બીમારીનું ઘર બની જાય છે. પન્ના ટાઈગર રિઝર્વના ડોક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે વત્સલાની વધારે ઉંમર હોવાને કારણે આંખોની સારવાર કરવાનું મુશ્કેલ હતું, કારણ કે હાથીઓ માટે લેન્સ ઉપલ્બધ નથી. આમ છતાં તેની કેર કરવામાં કોઈ કચાશ રાખવામાં આવી નહોતી, જેથી તેને હળવો ખોરાક આપતા તેમ જ નિયમિત તપાસ પણ કરવામાં આવતી હતી.
રામબહાદુર નામના હાથીએ હુમલો કર્યો હતો
વત્સલાનું જીવન પણ રોમાંચ અને સંઘર્ષભર્યું રહ્યું હતું. 2003 અને 2008માં ટાઈગર રિઝર્વમાં એક હાથી (રામ બહાદુર)એ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, જેનાથી પેટ ચિરાઈ ગયું હતું, પરંતુ ડોક્ટરની ટીમ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી. એવું કહેવાય છે કે રામબહાદુર નામના હાથીએ તેને વશમાં કરવા માટે હુમલો કર્યો હતો. એટલે સુધી કે તેના આંતરડા બહાર આવી ગયા હતા તેની નવ મહિના સુધી સારવાર ચાલી હતી. 2004 સુધીમાં તો તેને આંખો ગુમાવી હતી. તેની સંભાળ રાખનારા મનીરામે કહ્યું હતું કે અંતિમ વર્ષોમાં તેને ખબર હતી કે સંપૂર્ણ અંધ થઈ છે, પરંતુ મારો અવાજ સાંભળીને પોતાની સૂંઢ ઉપર કરતી. વત્સલાની શાંત પ્રકૃતિએ સૌને પોતાના કરી દીધા હતા. વત્સલાનું નામ ભલે કોઈ રેકોર્ડમાં નોંધાયું નથી પરંતુ પન્નાના જંગલોમાં પેઢીઓ સુધી ગૂંજતું રહેશે.

‘વત્સલા’ને મધ્ય પ્રદેશના પન્નાની જ હોવાનું સ્વીકારી લેવામાં આવ્યું હતું. હિનૌતા કેમ્પમાં અંતિમ શ્વાસ લીધા પછી અંતિમસંસ્કાર પણ હિનૌતા કેમ્પમાં કરવામાં આવ્યા હતા. તેના મૃત્યુ પછી મધ્ય પ્રદેશના ટાઈગર રિઝર્વની સાથે મધ્ય પ્રદેશ સરકારે પણ સંવેદના વ્યક્ત કરી હતી. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવ, કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત અન્ય મંત્રીઓએ પણ એના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પન્ના ટાઈગર રિઝર્વ 542 વર્ગ કિલોમીટર ફેલાયેલો છે
વત્સલાએ ફક્ત પન્ના ટાઈગર રિઝર્વની ઓળખ બનાવી હતી, પરંતુ દેશ-વિદેશના પર્યટકો માટે પણ એક મુખ્ય આકર્ષણ હતી. 1981માં રાષ્ટ્રીય ઉદ્યાન અને 1994માં ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. પન્ના ટાઈગર રિઝર્વ 542 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. વત્સલાને ગુમાવ્યા પછી અંગે મુખ્યમંત્રી ડો. મોહન યાદવે લખ્યું હતું કે વત્સલાનો 100 વર્ષનો સંબંધ આજે પૂરો થયો. તે ફક્ત હાથણી નહોતી, પણ જંગલોની મૂક રક્ષક, પેઢીઓની મિત્ર અને મધ્ય પ્રદેશ લાગણીઓનું પ્રતીક હતી. વત્સલાની આંખોમાં અનુભવોનો દરિયો હતો અને હાજરીમાં આત્મીયતા હતી. વત્સલાએ હાથીઓના જૂથનું નેતૃત્વ કર્યું હતું અને બચ્ચાઓની સંભાળ રાખી હતી. આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેની યાદો હમેશા આપણા મનમાં જીવંત રહેશે.
