મોતનો પુલઃ 15 દિવસ પહેલા તંત્ર જાગ્યું હોત તો 13 લોકોએ જીવ ગુમાવ્યા ના હોત…
ગુજરાતમાં મોરબીમાં પુલ તૂટી પડ્યા પછી દાવો કરવામાં આવ્યો હતો કે ફરી આ વાતનું પુનરાવર્તન નહીં થાય પણ બુધવારે સવારે ગોજારો અકસ્માત સર્જાયો અને 13 લોકો મોતને ભેટ્યાં. મોરબીમાં પુલ તૂટી પડ્યો એ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયા હતા. વડોદરાના પાદરાના મુજપુર ખાતેના ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે બે ટ્રેક, એક ઈકો વેન, એક પિકઅપ ગાડી, એક ઓટોરિક્ષા મહીસાગર નદીમાં ખાબકી હતી. 900 મીટર લાંબા પુલનો એક હિસ્સો ધરાશાયી થયો અને અનેક લોકો ભોગ બન્યાં. નદીમાં પડેલા લોકોના કલ્પાંત અને સરકારની તપાસી કાર્યવાહી અને વળતરની જાહેરાત વચ્ચે વિપક્ષે સરકારની ઝાટકણી કાઢી હતી અને 43 વર્ષ જૂના બ્રિજની સુરક્ષા મુદ્દે સવાલ કરવામાં આવ્યા છે.

સરપંચ સહિત સ્થાનિક લોકોએ પુલનું કર્યું હતું નિરીક્ષણ
આ મુદ્દે સ્થાનિક પોલીસે કહ્યું હતું કે પંદર દિવસ પૂર્વે એકલબારા અને મુજપુરના સરપંચ સહિત સ્થાનિક લોકોએ પુલનું નિરીક્ષણ કર્યું હતું, કારણ કે સ્થાનિક લોકો તો આ બ્રિજની હાલત ખરાબ હોવાની ફરિયાદ કરી હતી જેના પરથી સૌથી વધુ નોકરિયાત વર્ગ વિશેષ અવરજવર કરતો હતો. આ પુલની મરમ્મત કરવાની તંત્રએ રીતસર અવગણના કરી અને પરિણામ આવ્યું કે તેમાં 13 લોકોના જીવ ગયા પણ જો તંત્રે ધ્યાન આપ્યું હો તો આટલા લોકોએ જીવ ગુમાવ્યા ના હોત.
સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી ત્યાં શોધખોળ કરી
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાદરાના મૂજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં છેલ્લા ૧૨ કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે. નદીમાં કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી ત્યાં શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કલેકટર સહિતના અધિકારીઓ સવારથી સતત ઘટના સ્થળે જ છે અને બચાવ કામગીરીનું સતત નિરીક્ષણકાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.

ટ્રકમાંથી ત્રણ જણનાં મૃતદેહ મળ્યા
બુધવારે મોડી રાતના ફ્લડ લાઈટ લગાવી આ કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રકને ખેંચવા માટે વાયરો મંગાવવામાં આવ્યા હતા. તેને હિટાચી મશીન સાથે બાંધી ટ્રકને સીધો કરવામાં આવતા ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહનું પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી પરીક્ષણ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સતત હજાર રહી હતભાગીઓના પરિજનોને કોઈ તકલીફના પડે તેની તકેદારી રાખી હતી.
વધુ બે મૃતકની ઓળખ કરવામાં આવી
આ ઘટનાની ગંભીતાપૂર્વક નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પટેલિયાને મોકલવામાં આવ્યા હતા. પૂનમના કારણે મહી નદીમાં જલ પ્રવાહ વધે તે પહેલાં શક્ય હોય એટલી કામગીરી કરવા માટે સમગ્ર તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. મોડી સાંજે મળેલા મૃતદેહો પૈકી બે વ્યક્તિની ઓળખ સ્થાપિત થઈ શકી છે, જેમાં એક દ્વારકાના મહેન્દ્રભાઈ પર્વતભાઇ હથીયા અને બીજા આંકલાવના વિષ્ણુભાઈ રાવલનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પીએમ અને રાષ્ટ્રપતિએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
અહીં એ જણાવવાનું કે બુધવારે સવારે વડોદરા નજીક ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. આણંદ જિલ્લાના મુજપુર પાસે મહીસાગર નદી પરનો ‘ગંભીરા બ્રિજ’ તૂટી પડતાં ચાર વાહનો નદીમાં ખાબક્યા હતા. આ બનાવમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના વધુ એક કિસ્સાએ સરકારનું નાક કાપ્યું છે એટલું ચોક્કસ કહી શકાય.
આ પણ વાંચો
શોકિંગઃ ગુજરાતમાં 43 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો, મહીસાગર નદીમાં અનેક વાહન ખાબક્યાં
