શોકિંગઃ ગુજરાતમાં 43 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો, મહીસાગર નદીમાં અનેક વાહન ખાબક્યાં
સ્યૂસાઈડ પોઈન્ટ માટે જાણીતો ગંભીરા પુલ તૂટ્તા સરકાર પર પસ્તાળ

દેશમાં જર્જિરત બિલ્ડિંગ હોય કે પુલ પણ એનું નિયમિત મરમ્મત કામ કરવાની સાથે એની અવગણના કરવાનું ભારે પડી શકે છે. ભારત બંધની જાહેરાત વચ્ચે આજે ગુજરાતમાં જર્જરિત પુલ તૂટી પડ્યો હતો. એ જ તપાસ અને અને સરકારના વળતરની જાહેરાતો પછી વિપક્ષની સરકારની ટીકાનો સિલસિલો ચાલુ રહેશે પણ હકીકત શું છે પણ જાણી લઈએ. ખાસ કરીને બિહારમાં વાર તહેવારે બ્રિજ પડવાનું બનતું હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં 43 વર્ષ જૂનો અને ઓપરેટિંગ બ્રિજ પડતા પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ગુજરાતના વડોદરામાં આજે સવારે પુલ તૂટવાને કારણે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. આ પુલ આણંદ અને વડોદરાને જોડે છે, જે મહીસાગર નદીના તટ પર આવેલો છે. આ પુલ વડોદરાના પાદરા બાજુથી બે ભાગ તૂટી પડ્યા હતા. પુલ તૂટવાથી પાંચેક લોકોના મોત થયા છે, જ્યારે અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બ્રિજ વર્કિંગ કન્ડિશનમાં હતો ત્યારે બ્રિજ પરથી એક વાહન પસાર થઈ રહ્યો હતો ત્યારે એક બ્રિજ અટકી પડ્યો હતો, જ્યારે નદીમાં પડેલા સ્થાનિકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. પરિવારના સભ્યોને બચાવવા માટે એક મહિલાના આંક્રદે લોકોની આંખમાંથી અશ્રુ લાવી દીધા હતા.

પુલ તૂટ્યા પછી નદીમાં બે ટ્રક, કાર સહિત અનેક વાહનો ખાબક્યા હતા. આ પુલ વચ્ચોવચથી લટકી પડ્યો હતો. જોકે, નદીનું મુખ મોટું હોવાથી અત્યાર સુધી કેટલા વાહન પડ્યા એની જાણ મળી શકી નથી. પાદરા પોલીસના અધિકારીએ કહ્યું હતું કે આ બનાવ લગભગ સવારના સાડા સાત વાગ્યાના સુમારે બન્યો હતો. નદીમાં ચારેક વાહન પડ્યા હતા, જેમાં બે ટ્રક સહિત બે કાર પડી હતી, જેમાં ચાર લોકોને બચાવ્યા હતા.

આ બ્રિજ લગભગ 43 વર્ષ પૂર્વે બનાવ્યો હતો, જ્યારે આ પુલને લોકોને સ્યૂસાઈડ પોઈન્ટ તરીકે પણ ઓળખે છે. આ પુલને મરમ્મત કામની જરુરિયાત હતી, પરંતુ સમયસર મરમ્મત કામ થયું નહોતું. આ જ પુલની બાજુમાં નવો પુલ બનાવવાની યોજના હતી. એટલું જ નહીં, બે વર્ષથી પુલ જર્જરિત હાલતમાં હોવા છતાં બ્રિજના મરમ્મત કામ નહીં કરતા વિપક્ષોએ સરકારની પર ગંભીર સવાલો કર્યા હતા.
નવા પુલની મંજૂરી મળ્યા પછી કામકાજ શરુ કેમ કરવામાં આવ્યું નહીં. ચોમાસાની શરુઆતમાં પણ તેના અંગે કોઈ સતર્કતા દાખવી નહીં. પુલ જર્જરિત હોવા છતાં વાહનોની અવરજવર માટે શા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ રાજ્ય સરકારને આ પુલ અંગેની કામગીરી પર સવાલ કરવામાં આવ્યા હતા. એક યૂઝરે લખ્યું હતું કે બે વર્ષ પહેલા તંત્રને આ પુલ અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નહોતી. આ પુલ તૂટી પડ્યા પછી વૈકલ્પિક રુટ પર અવરજવર કરવાનો પ્રશાસન તરફથી આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
