વડા પ્રધાનને મળવાનું મારા માટે સન્માનની વાત, મહાન નેતા: જેડી વાન્સે મોદીની કરી પ્રશંસા
નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેકન્ડ લેડી ઉષા વાન્સ ચાર દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની પહેલા દિવસની મુલાકાતમાં જેડી વાન્સ અને ઉષા વાન્સે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારે જેડી વાન્સે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સૌથી પહેલી વખત સત્તાવાર ભારતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે સૌથી પહેલા અક્ષરધામ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા, જ્યારે તેમની સાથે તેમની પત્ની ઉષા ચિલુકુરી અને ત્રણ બાળકો પણ હતા. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
ઊર્જા-સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા ઉત્સુક
આ બેઠક વખતે બંને દેશના નેતાઓની વચ્ચે અમેરિકા-ભારત વચ્ચેના વેપારી સંબંધોમાં પણ થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું હતું અને ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને સોશિયલ મીડિયા એક્સ પર વડા પ્રધાન મોદીને મળવાની વાતને તેમના પોતાના સન્માનની વાત ગણાવી હતી, જ્યારે મોદીને મહાન ગણાવ્યા હતા.
ભારત સાથે ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવા તૈયાર
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતા લખ્યું હતું કે વડા પ્રધાન મોદીને મળવાનું મારા માટે સૌભાગ્યની વાત છે. તેઓ એક મહાન નેતા છે અને મારા પરિવાર માટે અપાર પ્રેમ દાખવ્યો હતો. હું ભારતના લોકોની સાથે ભારતની દોસ્તી અને સહયોગ મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવા માટે ઉત્સુક છું. પીએમ મોદીએ વાન્સના બાળકોને લાડ કરતા અને રમાડતા જોવા મળ્યા હતા.
પારસ્પારિક રીતે કલ્યાણકારી સહયોગ માટે તત્પર
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેડી વાન્સને લઈ એક પોસ્ટ લખી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે નવી દિલ્હીમાં અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પરિવારનું સ્વાગત કરતા ખુશી થાય છે. મેં અમેરિકામાં પોતાની યાત્રા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પછી ઝડપથી થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. અમે વેપાર, ટેક્નોલોજી, સંરક્ષણ, ઊર્જા અને લોકોના વચ્ચે આદાન-પ્રદાન સહિત પારસ્પારિક રીતે કલ્યાણકારી સહયોગ માટે પ્રતિબદ્ધ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્ત્વની બેઠક પછી પીએમઓ હાઉસમાં અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને પરિવારની સાથે અમેરિકન સરકારના અધિકારીઓએ ડિનર પણ કર્યું હતું.
આ પણ વાંચો
ટેરિફ વોર વચ્ચે ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ આજથી ચાર દિવસની ભારતની મુલાકાતે , ટેન્શન ઘટશે?