જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે અમેરિકાના ઘાતક ‘ગ્રેવિટી બોમ્બ’ વિશે, હિરોશિમાના પરમાણુ બોમ્બ કરતાં કેટલો શક્તિશાળી?

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સતત વધતાં જઈ રહેલાં તણાવને કારણે મિડલ ઈસ્ટ અત્યારે જાણે ભારેલાં અગ્નિ પર બેઠું હોય એવી પ્રતીતિ થઈ રહી છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે હાલમાં જ એક આક્રમક નિવેદન આપીને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો સંઘર્ષ વધશે, તો અમેરિકા તેના ઘાતક ‘ગ્રેવિટી બોમ્બ’ (Gravity Bomb)ના જથ્થાનો ઉપયોગ કરતા અચકાશે નહીં. આવી સ્થિતિમાં આ ગ્રેવિટી બોમ્બ શું છે અને તેનાથી કેટલો અને કેવો વિનાશ વેરાશે એ જાણવાની ઉત્સુક્તા થાય તેમાં કોઈ જ નવાઈ નથી. ચાલો આજે આપણે આ સ્ટોરીમાં આ ગ્રેવિટી બોમ્બ વિશે જાણવાનો પ્રયાસ કરીશું.
વાત કરીએ ગ્રેવિટી બોમ્બ શું છે એની તો સામાન્ય રીતે મિસાઈલ પોતે પ્રોપલ્શન સિસ્ટમથી આગળ વધે છે, પરંતુ ગ્રેવિટી બોમ્બ વિમાનમાંથી છોડવામાં આવે છે અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ (Gravity)ને કારણે પોતાના ટાર્ગેટ તરફ નીચે પડે છે. અમેરિકા પાસે અત્યારે અત્યંત આધુનિક ગ્રેવિટી બોમ્બ છે જે જીપીએસ ગાઈડન્સ અને લેઝર ટેકનોલોજીથી સજ્જ છે, જે હવામાં પોતાનો રસ્તો બદલીને સચોટ નિશાન સાધવામાં સક્ષમ છે. બસ આ જ બોમ્બના જોરે અમેરિકા ઈરાનનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અમેરિકાએ તાજેતરમાં જ આ બોમ્બનું અપગ્રેડેડ વર્ઝન બી61-13 તૈયાર કર્યું છે. આ હથિયાર ખાસ કરીને જમીનની નીચે ઊંડે છુપાયેલા બંકરો, મજબૂત મિલિટ્રી બેઝ અને પરમાણુ કેન્દ્રોને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને ફાઈટર એરક્રાફ્ટ કે સ્ટ્રેટેજિક બોમ્બર દ્વારા છોડી શકાય છે.
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો અમેરિકાના આ ન્યુક્લિયર ગ્રેવિટી બોમ્બની વિસ્ફોટક ક્ષમતા 360 કિલો ટન સુધીની હોઈ શકે છે. જો સરખામણીની વાત કરીએ તો, 1945માં જાપાનના હિરોશિમા પર જે પરમાણુ બોમ્બ ફેંકાયો હતો, તેના કરતાં પણ આ બોમ્બ અંદાજિત 24 ગણો વધારે શક્તિશાળી છે.
અનેક દેશો હવાઈ હુમલાથી બચવા માટે જમીનની નીચે ક્રોન્ક્રીટના જાડા પડ નીચે મિલિટ્રી ઈન્સ્ટોલેશન બનાવે છે. આ ગ્રેવિટી બોમ્બ ‘બંકર બસ્ટર’ તરીકે કામ કરે છે. તે વિસ્ફોટ થતા પહેલા ધરતી કે કોંક્રિટના અનેક ફૂટ ઊંડા પડમાં ઘૂસી જાય છે અને પછી અંદર જઈને પ્રચંડ વિસ્ફોટ કરે છે, જેથી પાતાળમાં છુપાયેલા ટાર્ગેટનો પણ નાશ થઈ શકે.
ગ્રેવિટી બોમ્બને કારણે થનારા વિનાશ અને નુકસાનની વાત કરીએ તો જો આ પરમાણુ ગ્રેવિટી બોમ્બનો ઉપયોગ કરવામાં આવે, તો તે માત્ર તાત્કાલિક વિનાશ જ નહીં, પણ લાંબા ગાળાની આફત નોતરી શકે છે. આ વિસ્ફોટથી નીકળતું રેડિયેશન પર્યાવરણને વર્ષો સુધી ઝેરી બનાવી શકે છે અને મોટા પાયે માનવીય સંકટ ઊભું કરી શકે છે.
