અમેરિકાના 25 ટકાના ટેરિફથી ભારતમાં બબાલઃ જનતાના ખિસ્સા પર શું થશે અસર?
સ્ટોકમાર્કેટમાં શરુઆતમાં ત્રણ લાખ કરોડ રુપિયાનું ધોવાણ
અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા પછી ભારત સરકાર પર વિપક્ષ વરસી પડી છે. શેરબજારમાં ભૂકંપ આવ્યો છે, જ્યારે તેની વેપાર પર પણ મોટી અસર થશે. વેપાર-ઉદ્યોગ પર અસર થવાની સાથે આમ જનતાના ખિસ્સા પર પણ અસર પડશે. આવતીકાલથી અમેરિકાએ ભારતની આયાત પર 25 ટકા ટેરિફ અને દંડ લગાવ્યો છે, જેનાથી ભારતીય કંપનીઓની નિકાસ મોંઘી થશે. પેટ્રોલ, ગેસ, દવા અને ઈલેક્ટ્રોનિક સામાન પણ મોંઘો થઈ શકે છે. અમેરિકાને રશિયા સાથેનો વેપાર ખટકે છે, જેની પનિશમેન્ટ ભારતને આપશે.

આ ટેરિફ ફક્ત અમેરિકાથી ભારતમાં આવનારા સામાન પર લાગશે એટલે શરુઆતમાં ભારતમાં અમુક ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે, પરંતુ ભારત પણ અમેરિકાથી આવનારા સામાન પર ટેક્સ લગાવે તો અમુક ચીજવસ્તુઓ પર તમારું બજેટ ખોરવાઈ શકે છે. વેપાર-ઉદ્યોગો પર લાંબા ગાળે અસર થશે, પરંતુ શેરબજાર પર અસર થઈ હતી. સ્ટોકમાર્કેટ શરુ થતા સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી 10 મિનિટમાં માર્કેટમાંથી રોકાણકારોએ લગભગ ત્રણ લાખ કરોડ ગુમાવ્યા હતા.
સૌથી પહેલા પેટ્રોલ-ડીઝલની વાત. અમેરિકાથી ભારત પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડર મગાવે છે અને ભારત જો એના પર ટેક્સ લગાવે તો પેટ્રોલ-ડીઝલ અને સિલિન્ડરના ભાવમાં પાંચથી દસ રુપિયાનો વધારો થઈ શકે છે. ભારતમાં અમેરિકાથી મશીન અને ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ આવે છે. અમેરિકાથી જેમ કે વોશિંગ મશીન, રેફ્રિજરેટર યા મોબાઈલ પણ મોંઘા થઈ શકે છે. ખેતીવાડી ક્ષેત્રે ખાતર, કેમિકલ પણ અમેરિકાથી આવે છે. જો એની કિંમત વધે તો તેની અસર સીધી ખેતીવાડી પર થઈ શકે છે, જ્યારે ડાયરેક્ટ ફળો-શાકભાજી પણ મોંઘા થઈ શકે છે.
નિકાસ કરનારી કંપનીઓની ચિંતામાં વધારો
ભારત દર વર્ષે અમેરિકામાં લગભગ 83 અબજ ડોલરનો સામાન વેચે છે, જેમાં દવા, કપડા, મશીનનો સમાવેશ થાય છે. 25 ટકા ટેરિફ લગાવ્યા પછી સામાન મોંઘા થશે. કંપનીઓને કાં તો કિંમત ઘટાડવી પડશે અથવા ઓર્ડરમાં ઘટાડો થશે. તેની સીધી અસર દેશની આવક પર પડશે અને ડોલરના મુકાબલે રુપિયો વધુ ઘટી શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ખેંચાખેંચી ચાલી રહી છે, જેમાં ભારતે આ મુદ્દે કહ્યું છે કે ભારત પોતાના હિતોનું રક્ષણ કરશે, પણ મૂળ હકીકત છે કે એક નહીં બંને દેશના વેપાર પર અસર પડી શકે છે. બંને દેશ વચ્ચેનો કૂલ વેપાર 130 અબજ ડોલરનો છે, જ્યારે નવા ટેરિફને કારણે 2025-26માં કૂલ કારોબારમાં પંદરથી 20 અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે. અમેરિકાએ અગાઉથી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પચાસ ટકા અને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ લગાવી છે.
