વધી રહેલાં ઈ-કોમર્સ અંગે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે વ્યક્ત કરી ચિંતા…
નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલાં ઓનલાઈન શોપિંગના ક્રેઝને કારણે સરકારની ચિંતા વધારી દીધી છે. દેશના કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે ભારતમાં સતત વધી રહેલાં ઓનલાઈન શોપિંગના ક્રેઝ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ચેતવણી પણ ઉચ્ચારી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જો આવું જ ચાલશે તો લોકો આળસું બની જશે.
ઈ-કોમર્સની સુવિધાને કારણે લોકોની જીવનશૈલીમાં વધુ ગતિહીનતા આવશે. લોકો સોશિયલ એક્ટિવટીઝમાં ભાગ નહીં લે અને એને બદલે ઘરે રહેવાનું ઓટીટી પ્લેટફોર્મ પર મૂવી અને સીરિયલ જોવાનું પસંદ કરશે અને ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાનું મંગાવવાનું પસંદ કરશે.
ટેક્નોલોજીનું મહત્ત્વ અને કન્ઝ્યુમર સર્વિસમાં એમની ભૂમિકાને લઈને પીયૂષ ગોયલે આ માટે વધુ એક સારા દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ખાસ જોર આપ્યું છે. એમાં પણ ખાસ કરીને ઓનલાઈન શોપિંગને કારણે પારંપારિક રિટેલ માર્કેટમાં વ્યાપક અસર જોવા મળે છે.
પીયૂષ ગોયલે પારંપારિક રિટેલ બિઝનેસ પર ઈ-કોમર્સના વધી રહેલાં પ્રભાવને ધ્યાનમાં લેતાં પોતાની રાય વ્યક્ત કરી હતી.
તેમણે જમાવ્યું હતું કે હું ઈ-કોમર્સને ખતમ નથી કરવા માંગતો, એ હંમેશા માટે છે. પરંતુ તેના ડેવલપમેન્ટનું સાચી રીતે મૂલ્યાંકન થવું જોઈએ. ખાસ કરીને રેસ્ટોરાં, ફાર્મસી અને લોકલ રિટેલ સ્ટોર જેવા ક્ષેત્ર પર એના પ્રભાવ પર ધ્યાન આપવાની જરૂર છે.
કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે એ વાત પર ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા કે ઈ કોમર્સની સુવિધાથી ઉપભોગતા વ્યવહાર ખૂબ જ બદલાઈ જશે અને એમાં પણ ખાસ કરીને યુવા પેઢી પર એની વધારે અસર જોવા મળશે. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે ઓનલાઈન શોપિંગની લતને કારણે ચોક્કસ જ આરપણે એવા દેશમાં પરિવર્તિત થઈ જઈશું કે જ્યાં લોકો ઓટીટી પર ફિલ્મો જુએ છે અને દરરોજ બહારથી ખાવાનું ઓર્ડર કરે છે.
તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે મિત્રો સાથે ડિનર કે કોફી માટે બહાર જવાની જરૂર છે. આવા સોશિયલ ગેધરિંગ ખૂબ જ આવશ્યક છે, કારણ કે ઓનલાઈન શોપિંગને કારણે તે સાવ જ ઘટી ગયા છે. વધુમાં વધુ લોકો ખાવાથી લઈને ફાર્મસીની જરૂરિયાતની તમામ વસ્તુઓ ઓનલાઈન ખરીદી રહ્યા છે.