ઉદ્ધવ ઠાકરે એનડીએના સંપર્કમાં, આદિત્ય ઠાકરે આપ્યું આ નિવેદન
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ની બોલબોલા રહી છે. એની સામે ભાજપ-શિવસેના-એનસીપીનું કદ ઘટ્યું. 2019ની ચૂંટણીની તુલનામાં 2024માં ભાજપ-એનડીએનો જાદુ ઘટ્યો છે, ત્યાર પછી શિવસેના અને એનસીપી (શરદ પવાર જૂ)નો દબદબો વધ્યો છે. એનડીએ તરફથી બંને પક્ષને ખેંચવાની વાત કરવામાં આવે છે, ત્યારે હવે ઉદ્ધવ ઠાકરે એનડીએના સંપર્કમાં હોવાની અટકળો તેજ બની છે. આ અગાઉ ઉદ્ધવ ઠાકરે એનડીએમાં જોડાવવાનું એક નેતાએ આગાહી કર્યા પછી હવે આ મુદ્દે ફરી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે એનડીએના સંપર્કમાં છે.
રોજે રોજ વધતી અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ એક પોસ્ટ લખીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે. સોશિયલ મીડિયા પર શિવેસના નેતા આદિત્ય ઠાકરેએ એક પોસ્ટ લખીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર આકરી ટીકા કરી છે. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે જનતાએ લોકતંત્રને ખતમ કરવાની ભાજપની કોશિશ પર લગામ લગાવી દીધી છે.
આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર વધુમાં લખ્યું છે કે દેશના બંધારણને બદલવા અને લોકતંત્રને ખતમ કરવા માટે ભાજપની કોશિશોને ફગાવી દીધી છે. ચૂંટણીએ સાબિત કર્યું છે કે આપણા દેશમાં અહંકારને કોઈ સ્થાન નથી.
આદિત્ય ઠાકરેએ લખ્યું છે કે અહંકાર, તાનાશાહી, લોકતંત્ર વિરોધી શક્તિઓ અને આપણા બંધારણની જગ્યાએ પોતાની પાર્ટીના નિયમો લાગુ કરવાની ઈચ્છા રાખનારાને દેશ જ ફગાવી દેશે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્યએ આગળ લખ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠક પર મતદાન થયું હતું. 48 સીટમાંથી કોંગ્રેસને 13, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ને નવ, એનસીપી (શરદચંદ્ર પવાર), ભાજપને નવ, શિવસેના (એકનાથ શિંદે જૂથ)ને સાત, એનસીપી (અજિત પવાર જૂથ)ને એક અને અપક્ષને એક બેઠક મળી હતી.