July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

દેશમાં ઉત્તરાખંડ પછી ગુજરાત રાજ્યમાં અમલી બનાવાશે યુસીસી

Spread the love

ગાંધીનગરઃ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે, જે અંતર્ગત ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ લાગુ કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિની રચના
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરાશે. તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ. સી.એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમ જ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

45 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે
ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે. આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે, એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

ચૂંટણી ઢંઢેરાના વચનો પૂરા કરવામાં આવ્યા
370 કલમ નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારીશક્તિ વંદના અધિનિયમ અને ત્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે સમાન નાગરિક ધારાના અમલ માટે સંકલ્પબદ્ધ છે. આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરી છે.

આદિવાસી સમાજના રિવાજોનું સંરક્ષણ કરાશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈ પણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રીતિ-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય એમ પણ જણાવ્યું હતું.ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, કાયદા સચિવ રાવલ, સંસદીય બાબતોના સચિવ ગોઠી , વૈધાનિક બાબતોના સચિવ કમલેશ લાલા વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!