June 30, 2025
ગુજરાત

UCC Implementation: સમાન સિવિલ કોડ અંગે નાગરિકોનાં સૂચનો લેવાયાં

Spread the love

ગાંધીનગરઃ સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવાનો અભિગમ અપનાવાયો છે, જેના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લા પછી અમદાવાદ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં યુસીસી સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના સંદર્ભે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે. નાગરિકોનાં મંતવ્યો જાણવાં ખૂબ જ જરૂરી છે. સમાજમાં સમાનતા તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રમાં રાખીને યુસીસીનો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોનાં મંતવ્યો મેળવીને શક્ય એટલી ઝડપથી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે.

આ બેઠકમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદા, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે સમાન નિયમો જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યાં હતાં.

આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સાંસદ હસમુખભાઈ પટેલ, સાંસદ દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો સહિત રાજકીય અગ્રણીઓ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક હર્ષદ પટેલ, જીટીયુના રજિસ્ટ્રાર કે. એન. ખેર તથા સેવા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ યુસીસી સમિતિ સમક્ષ પોતાનાં સૂચનો રજૂ કર્યાં હતાં.

આ બેઠકમાં અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાના વિચારો રજૂ કરીને સમિતિની કામગીરીમાં સક્રિય સહયોગ આપવાની ખાતરી આપી હતી. નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર દ્વારા બેઠકના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.

યુસીસી સમિતિનાં અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈ સહિત સમિતિના સભ્યોએ બેઠકને ફળદાયી ગણાવીને સંતોષ વ્યક્ત કર્યો હતો તેમ જ હાજર સૌને ૨૪મી માર્ચ પહેલા યુસીસીના પોર્ટલ https://uccgujarat.in પર પોતાનાં સૂચનો લેખિતમાં જણાવવા અને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!