24મી અને 25મીએ મુંબઈના આ વિસ્તારોમાં બંધ રહેશે પાણીપુરવઠો
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા ભર ઉનાળે નાગરિકોને હાલાકી પડે ભોગવવી પડે એવી માહિતી આપવામાં આવી રહી છે. આ સમાચાર સાંભળીને કદાચ તમે પણ ચિંતામાં મુકાઈ જશો. આવો જોઈએ શું છે આ મહત્વની માહિતી…
મળી રહેલી માહિતી પ્રમાણે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના કામકાજમાં હેઠળ ફોર્ટિસ હોસ્પિટલથી લઈને ઉદ્યોગ ક્ષેત્રની આસપાસમાં આવેલી 1200 મીમી વ્યાસની પાઈપલાઈન ખસેડવાનું કામ હાથ ધરવામાં આવશે. આ કામકાજને કારણે 24મી અને 25મી મેના દિવસે મુલુંડ, ભાંડુપ અને ઘાટકોપરના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે, એવી માહિતી પાલિકા દ્વારા આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં ફ્લાયઓવરના કામકાજમાં આ પાઈપલાઈન અવરોધરૂપ બની રહી છે જેને કારણે પાલિકા દ્વારા આ પાઈપલાઈનને ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાલિકાના અધિકારી દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પાલિકા દ્વારા બે ઠેકાણે આ 1200 મીમી વ્યાસની પાઈપલાઈન ખસેડવાની હોવાથી 24મી મેના 11.30 કલાકથી લઈને 25મી મેના સવારે 11.30 કલાકની વચ્ચે કરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન મુલુંડ, ભાંડુપ, ઘાટકોપરના કેટલાક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. જેને કારણે પાલિકા દ્વારા આ સમયગાળા દરમિયાન નાગરિકોને ખૂબ જ સાચવીને પાણીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ ઉપરાંત પાણીપુરવઠો પૂર્વવત્ થયા બાદ તકેદારીના ઉપાય તરીકે 4થી 5 દિવસ સુધી પાણી ઉકાળીને પીવાની ભલામણ પણ પાલિકા દ્વારા નાગરિકોને કરવામાં આવી છે.
