February 24, 2026
મનોરંજન

21 વર્ષ લાગ્યા હતા ઈન્ડિયાની આ હોરર ફિલ્મને બનતાં, નિર્માતાએ ઘર-ગાડી વેચવા પડ્યા, બોક્સ ઓફિસ પર ફ્લોપ પણ…

Spread the love


બોલીવૂડમાં મસાલા ફિલ્મો અને સુપરસ્ટાર્સનો દબદબો હંમેશા રહ્યો છે, પરંતુ આ ભીડમાં કેટલીક એવી ફિલ્મો હોય છે જે કલ્ટ ફિલ્મનો દરજ્જો મેળવવામાં સફળ થાય છે. આજે આપણે અહીં આવી જ એક ફિલ્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મ એટલે તુમ્બાડ. તુમ્બાડ કોઈ સામાન્ય હોરર ફિલ્મ નથી, પણ એક એવી કલાત્મક કૃતિ છે જેણે બનાવનારના જીવનના બે દાયકા અને સર્વસ્વ હોમી દીધું હતું. આ ફિલ્મને બનાવવા માટે લેખક, પ્રોડ્યુસરે કેટલા પાપડ વણ્યા છે એ વિશે વિસ્તારથી આ સ્ટોરીમાં વાત કરીશું.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફિલ્મ તુમ્બાડના લેખક-નિર્દેશક રાહી અનિલ બર્વેએ 1997માં આ ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ લખ્યો હતો. 2009માં તેમણે 700 પાનાનો વિશાળ સ્ટોરીબોર્ડ તૈયાર કર્યો અને આ ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ 2008માં. તમને જાણીને નવાઈ લાગશે પણ એ સમયે નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ નિર્માતાઓએ પ્રોજેક્ટ અધવચ્ચે છોડી દીધો હતો.

ફિલ્મના મુખ્ય અભિનેતા અને નિર્માતા સોહમ શાહ માટે ‘તુમ્બાડ’ એક સ્વપ્ન સમાન હતી. 2012માં શૂટિંગ થયા પછી સંતોષ ન મળતા 2015માં ફરીથી શૂટિંગ કરવામાં આવ્યું. આ ફિલ્મનું શૂટિંગ સતત પાંચ વર્ષ સુધી ચાલ્યું કારણ કે તેને માત્ર અસલી વરસાદમાં જ શૂટ કરવી હતી. સોહમ શાહે એક ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે ફિલ્મ પૂરી કરવા માટે તેમણે પોતાનો ફ્લેટ, બીજી પ્રોપર્ટી અને છેલ્લે પોતાની કાર પણ વેચી દેવી પડી હતી. ટૂંકમાં આ ફિલ્મ બનાવતાં બનાવતાં તેઓ આર્થિક રીતે સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયા હતા.

2018માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે રૂપિયા પાંચ કરોડના બજેટ સામે તેણે માત્ર 13 કરોડની કમાણી કરી હતી. એસમયે તેને બોક્સ ઓફિસ પર સફળ માનવામાં ન આવી, પરંતુ જ્યારે તુમ્બાડ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવી ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા કારણ કે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને વાર્તાએ આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. ઓડિયન્સના પ્રેમ અને ઉમળકાને કારણે 2024માં આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિ-રિલીઝ થઈ છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!