યુરોપિયન યુનિયન સાથે ડીલ પછી ટ્ર્મ્પ ઝૂક્યા, ભારત પર ટેરિફ ઘટાડ્યો
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી, ભારતીય ઉત્પાદનોને મળશે વૈશ્વિક બજાર
રશિયા પાસેથી ઓઈલ ખરીદવાને કારણે અમેરિકાએ 25 ટકાથી ટેરિફ વધારીને બીજો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, તેના પછી ભારત અને અમેરિકા વચ્ચે નિયમિત રીતે ટેરિફ ઘટાડવા અંગે વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે સોમવારે મોડી રાતે અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફમાંથી ઘટાડીને 18 ટકા કર્યો છે. 25 ટકા એક્સ્ટ્રા ટેરિફની સાથે 43 ટકા ટેરિફ વસૂલશે અને કહ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે. રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે અત્યાર સુધીમાં મોદી સાથે સાત વખત ફોન કર્યો છે, જ્યારે ભારત તરફથી નરેન્દ્ર મોદીએ પણ ટેરિફ ઘટાડવાનું સિગ્નલ આપીને આભાર માન્યો છે, પરંતુ હજુ બંને દેશ વચ્ચેના સંબંધોમાં અનેક પ્રકારના અવરોધો છે એ હકીકત છે એમ નિષ્ણાતોએ સંકેતો વ્યક્ત કર્યા છે.
ભારત પરના ટેરિફ ઘટાડવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તેમણે ભારત પર લાગેલા પરસ્પર ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર સમજૂતી (Trade Deal) પર સહમતી બની હોવાની પણ જાહેરાત કરી છે. સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું, “ભારતના વડા પ્રધાન અને એક શક્તિશાળી તથા સન્માનિત નેતા મોદી સાથે વાત કરવી એ સન્માનની વાત હતી. ટ્રમ્પે અંતમાં ઉમેર્યું હતું કે ભારત સાથેના અમારા શાનદાર સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદી અને હું એવા લોકો છીએ જે કામ પૂરું કરવામાં માને છે.
પીએમ મોદીની પ્રતિક્રિયા: 140 કરોડ ભારતીયો માટે મહત્વનો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિસાદ આપતા લખ્યું કે, અમેરિકાએ ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કર્યો તે જાણીને ખૂબ જ આનંદ થયો. તેમણે ટ્રમ્પનો આભાર માનતા કહ્યું કે, આ જાહેરાત ભારતના 1.4 અબજ લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે આ પગલાથી ભારત-અમેરિકાની ભાગીદારી નવી ઊંચાઈઓ પર પહોંચશે અને ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં વધુ મજબૂતી મળશે.
વેપાર સમજૂતીના મુખ્ય અંશો
આ સમજૂતીની પૃષ્ઠભૂમિ છેલ્લા કેટલાક સમયથી તૈયાર થઈ રહી હતી. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સતત અમેરિકન પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં હતા.
ટ્રમ્પની પોસ્ટની મહત્વની વાતો
રશિયા-યુક્રેન યુદ્ધ: બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
તેલની ખરીદી: પીએમ મોદી રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા અને અમેરિકા તથા વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા સંમત થયા છે.
ટેરિફમાં ઘટાડો: પીએમ મોદીના અનુરોધ પર તાત્કાલિક અસરથી ટેરિફ 25% થી ઘટાડી 18% કરાયો છે. બદલામાં ભારત પણ અમેરિકા વિરુદ્ધના પોતાના ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર્સ ઘટાડીને શૂન્ય કરશે.
મોટું રોકાણ: વડાપ્રધાને અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ અને કોલસા સહિત 500 અબજ ડોલરથી વધુના અમેરિકન સામાનની ખરીદીની ખાતરી આપી છે.
