નવરાત્રીઃ તમારી મનોકામના પૂરી કરે છે ત્રિપુર સુંદરી મંદિર, ક્યાં આવેલું છે?
ત્રિપુરાના ઉદયપુરમાં સ્થિત આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં દેવી સતીના ડાબા પગનો ભાગ પડ્યો હતો, અને તેનું નિર્માણ રાજા ધન્ય માણિક્યના સ્વપ્ન પછી થયું હતું

નવરાત્રીનો આજે બીજો દિવસ છે. માઈ ભક્તો માટે માતાજીના ભક્તિ અને ઉપાસનાના દિવસો છે. પહેલા દિવસે મહારાષ્ટ્રના કોલ્હાપુરના મહાલક્ષ્મી માતાજીના મંદિરના મહત્ત્વ અંગે જાણકારી મેળવી હતી. આજે વાત કરીએ ત્રિપુરાના ત્રિપુર સુંદર મંદિરની. ત્રિપુરાના ઉદયપુરમાં માતા ત્રિપુર સુંદરી મંદિરનું તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું, જે 51 શક્તિપીઠ પૈકીનું એક મંદિર છે ત્યારે આજના બીજા નોરતે વધુ એક શક્તિપીઠના ઈતિહાસ અને વિશેષતાને જાણીએ.
માતા ત્રિપુરા સુંદરી મંદિર ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુર નગરમાં વસેલું છે. સ્થાનિક લોકો આ મંદિરને ત્રિપુરેશ્વરી મંદિર અથવા માતાવાડી તરીકે પણ ઓળખે છે. માન્યતા એવી પણ છે કે દેવી સતીના ડાબા પગનો ભાગ ભગવાન શિવના તાંડવ વખતે ત્યાં પડ્યો હતો. બીજી મહત્ત્વની વાત કરીએ તો માતા દુર્ગાના સૌથી સુંદર સ્વરુપને ત્રિપુરા સુંદરીથી ઓળખવામાં આવે છે, જ્યાં સાચા મનથી માતાજીના દર્શન કરવામાં આવે છે, ત્યાં લોકોની મનોકામના પણ માતાજી પૂરી કરે છે.
રાજાના સપનામાં આવ્યા પછી મંદિરનું કર્યુ હતું નિર્માણ
શ્રી વિદ્યા પરંપરામાં મા ત્રિપુરા સુંદરીને સર્વોચ્ચ શક્તિ અને ત્રણ લોકના સૌથી સુંદર દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. માતા ષોડશી અથવા લલિતા પણ કહેવામાં આવે છે. રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા ત્રિપુર સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કર્યુ હતું. મંદિરના નિર્માણ અંગે કહેવાય છે કે મહારાજ ધન્ય માણિક્યએ 1501માં કરાવ્યું હતું. માતાજી રાજાના સપનામાં આવ્યા અને દેવી ત્રિપુરેશ્વરીએ રાજાને ઉદયપરુ નગર નજીકના પર્વતો પર પૂજા કરવાનું કહ્યું હતું. વારંવાર સપના આવ્યા પછી રાજા ધન્ય માણિક્યએ પર્વત પર ત્રિપુરા સુંદરીની પ્રતિમા સ્થાપિત કરી હતી.

મંદિર શિવ અને શક્તિના અદ્વિતીય સંગમનું પણ પ્રતીક
આ ઐતિહાસિક મંદિર વૈષ્ણવ અને શક્તિ પરંપરાનો અદભુત સંગમ છે, જે વિવિધતામાં એકતાનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુની પૂજા શાલિગ્રામ શિલાના રુપમાં કરવામાં આવે છે. એટલે કોઈ શક્તિપીઠમાં અથવા કાલી મંદિરમાં પણ માતાજીની સાથે વિષ્ણુ ભગવાનની પૂજા થાય એ ભાગ્યે જ જોવા મળે છે. આ મંદિર શિવ અને શક્તિના અદ્વિતીય સંગમનું પણ પ્રતીક છે. મંદિરનું નવનિર્માણનો કૂલ ખર્ચ 54 કરોડ રુપિયાનો છે, જેમાં 34 કરોડ કેન્દ્ર અને 17 કરોડનો ખર્ચ રાજ્ય સરકારનો છે.
ત્રિપુરેશ્વરી મંદિરની વિશેષતા શું છે
અહીં દેવી શક્તિની પૂજા માતા ત્રિપુરાસુંદરીના રુપમાં અને ભૈરવજીની પૂજા ત્રિપુરેશ તરીકે કરવામાં આવે છે. મંદિરનો ગર્ભગૃહ વર્ગાકાર છે અને ખાસ કરીને બંગાળી એક રત્ન શૈલીમાં બનાવ્યું છે. પર્વત પર જાણે કાચબો હોય પ્રકારે છે, જ્યારે માતાજીના ચરણોમાં શ્રી યંત્ર પથ્થર પણ અંકિત કરવામાં આવ્યું છે, જે સમગ્ર બહ્માંડ અને સ્ત્રી પુરુષ ઊર્જાના દિવ્ય મિલનનું પ્રતીક માનવામાં આવે છે. અહીંના શ્રીયંત્રના દર્શન અથવા પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. મંદિરમાં કાચબાની પણ પૂજા કરવામાં આવે છે.
વર્ષે 12-15 લાખ લોકો દર્શન માટે આવે છે
મંદિરના ગર્ભગૃહમાં બે કાળા રંગની મૂર્તિઓ છે. મોટી મૂર્તિ લગભગ પાંચ ફૂટની માતા ત્રિપુરા સુંદરીની છે અને નાની મૂર્તિ (બે ફૂટની છે) માં ચંડીની છે, જેને લોકો પ્રેમથી છોટી મા પણ કહે છે. એવું પણ કહેવાય છે કે નાની મૂર્તિને જ્યારે રાજા યુદ્ધ યા શિકાર કરવા જતા ત્યારે લઈ જતા હતા. સ્થાનિક પરંપરા અનુસાર માતાજીન દર્શનાર્થે લોકો દિવાળામાં ખાસ આવે છે. સ્થાનિક લોકોની સાથે ભારતમાંથી પણ લોકો દર્શન માટે આવતા હોય છે. બે દિવસના દિવાળીના મેળાનું વિશેષ મહત્ત્વ છે. હાલના તબક્કે દર વર્ષે બારથી પંદર લાખ લોકો દર્શન માટે આવે છે, જ્યારે પડોશી દેશ બાંગ્લાદેશમાંથી પણ લોકો દર્શન માટે આવે છે. રોજના 3,000થી 3,500 શ્રદ્ધાળુ અથવા પર્યટકો દર્શન માટે આવે છે.
